જામનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર તેમના પરિવાર સાથે લાલ બંગલા ગવર્નમેન્ટ કોલોની ખાતે આયોજિત ગરબી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન, વહીવટી તંત્રના વડાએ લોક ઉત્સવમાં જોડાઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ગરબી જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ તથા તેમના પરિવારોની વસાહતમાં યોજાઈ હતી. કલેક્ટરે માતાજીની આરતીમાં ભાગ લીધો હતો અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ ભાઈઓ-બહેનો તથા બાળાઓ દ્વારા રજૂ થતા ગરબા-રાસને નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, નવરાત્રી એ માત્ર પૂજાનું પર્વ નથી, પરંતુ તે આપણી એકતા, સંસ્કૃતિ અને સામૂહિક આનંદનું પ્રતીક છે. વહીવટી કામગીરીની વ્યસ્તતા વચ્ચે પણ આવા સામાજિક ઉત્સવોમાં ભાગ લેવાથી નવી ઉર્જા અને સકારાત્મકતા મળે છે. કલેક્ટરે કોલોનીના રહેવાસીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે વાતચીત કરી હતી. તેમણે સૌને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમના આયોજકોમાં ગવર્નમેન્ટ કોલોની ગરબી મંડળના રામદેવસિંહ ગોહિલ, રવિરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ વાઘેલા, યુવરાજસિંહ ગોહિલ, જસમીન ગોસાઈ, કાલાવડીયા હિરેન અને કેતન ચાવડા સહિત મોટી સંખ્યામાં કોલોનીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt