મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વેપારી સંગઠનો અને ઉદ્યોગ એસોસિએશનો સાથે “જી.એસ.ટી. બચતોત્સવ”, “વોકલ ફોર લોકલ” અને “સ્વદેશી અભિયાન” અંગે સંવાદ કર્યો હતો. મહેસાણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન મંત્રી કલ્પેશભાઈ પટેલ, પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ સહિતના હોદ્દેદારો તેમજ વેપારીઓ આ સંવાદમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીના જી.એસ.ટી. ઘટાડાના આહવાનને મહેસાણાના વેપારી-ઉદ્યોગ સંગઠનોએ આવકાર આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલા દિવાળી ગિફ્ટ રૂપે આ સુધારા દેશની અર્થવ્યવસ્થાને વાઈબ્રન્ટ બનાવશે તેવી આશા વ્યક્ત થઈ હતી. સાથે સાથે “વોકલ ફોર લોકલ”થી સ્થાનિક કારીગરો અને વેપારીઓને સારી કમાણી મળશે તથા રોજગાર તકો વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન મંત્રી કલ્પેશભાઈ પટેલે જણાવ્યું કે, જી.એસ.ટી.ની ચાર સ્લેબમાંથી બે સ્લેબ કરવાના નિર્ણયથી સોલાર, કન્સ્ટ્રક્શન, ડેરી સહિતના ઉદ્યોગોને મોટો ફાયદો થશે. આ સુધારણા વેપાર અને ફૂડ સેક્ટરને ગતિ આપશે તથા સામાન્ય નાગરિકોના જીવનમાં પણ સીધો લાભ પહોંચાડશે. “સ્વદેશી અભિયાન” આત્મનિર્ભર ભારત માટે બૂસ્ટર ડોઝ સાબિત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR