ગાંધીનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.): ગાંધીનગર કલ્ચરલ ફોરમ નવરાત્રીમાં પરંપરાગત રીતે માતાજીનું સ્થાપન કરીને ગરબાનું આયોજન કરે છે, ગ્રાઉન્ડની મધ્યમાં માતાજીની માંડવડીમાં ગરબાનું સ્થાપન પણ કરાય છે. માતાજીની આરતી ઉતારવાના સમયે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલ અને પરિવારજનો સમયસર પધાર્યા હતા. ઝરમર વરસતા વરસાદમાં પણ સૌએ ભક્તિભાવપૂર્વક મા જગદંબાની આરતી ઉતારી હતી. પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણા તથા ગાંધીનગર જૈન સમાજના આગેવાનો સી. એમ. શાહ, હેમેન્દ્રભાઈ શાહ અને હિતેન્દ્રભાઈ શાહ તથા અન્ય પદાધિકારીઓ પણ આરતી ઉતારવા પધાર્યા હતા. માતાજી કૃપા વરસાવે એવી પ્રાર્થના સાથે સૌએ આરતી કરી હતી.
આરતી પછી કલ્ચર ફોરમના ગ્રાઉન્ડમાં ફૂડ કોર્ટ વિસ્તારમાં ગરબાની રમઝટ જામી હતી. ગુજરાતી સુગમ સંગીત ના સુપ્રસિદ્ધ ગાયિકા નિશા ઉપાધ્યાય કાપડિયા ગરબે રમાડવા પધાર્યા હતા. અનેક મર્યાદાઓ વચ્ચે પણ નિશા ઉપાધ્યાય કાપડિયાએ પોતાના સુરીલા કંઠે ગરબા ગાયા હતા અને ઉપસ્થિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓએ પ્રકૃતિથી પરેશાન થયા વિના પ્રસન્નતા પૂર્વક ગરબા કર્યા હતા. મધરાત સુધી ગરબો જામ્યો હતો. મધરાત પછી પરંપરાગત રીતે મંડળી ગરબાની રમઝટ જામી હતી. ખેલૈયાઓ રાત્રિના લગભગ બે વાગ્યા સુધી મન મૂકીને ગરબે રમ્યા હતા.
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં વરસાદ પણ વિઘ્ન નાખી શક્યો ન હતો. નવરાત્રીના સાતમા દિવસે સાંજે ગાંધીનગરમાં વરસાદના ઝાપટાં પડ્યાં હતાં. ગાંધીનગર કલ્ચરલ ફોરમના સ્વયંસેવકો પાણી ઉલેચવા લાગી પડ્યા હતા. કલ્ચરલના ગરબામાં ગરબે રમતા ખેલૈયાઓ ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવા આવ્યા હતા, તેઓ પણ પાણી ઉલેચવાના કામમાં લાગી ગયા હતા. ગરબા રમવા માટે ગ્રાઉન્ડ તૈયાર પણ થઈ ગયું હતું અને મોડી સાંજે ફરી એક ઝાપટું પડતાં ગ્રાઉન્ડ ગરબા રમવા લાયક રહ્યું ન હતું એટલે પછી ખેલૈયાઓએ ફૂડ કોર્ટમાં જ ગરબાની મોજ માણી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ