ગીર સોમનાથ, 29 સપ્ટેમ્બર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લામાં ગત રાત્રિએ વરસેલા ધોધમાર વરસાદે નવરાત્રિના રંગમાં ભંગ પાડ્યો છે. ભારે વરસાદને કારણે વેરાવળમાં મોટાભાગના ગરબા આયોજનો રદ્દ કરવાની ફરજ પડી હતી, જ્યારે વહેલી સવારે અનેક ગરબા મંડપો ધરાશાયી થતા આયોજકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
જિલ્લા કંટ્રોલ રૂમના મુજબ, પાટણ-વેરાવળ તાલુકામાં ગઇકાલે રાત્રે 10 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના આઠ કલાકમાં જ 117 મિલીમીટર (આશરે 4.88 ઇંચ) વરસાદ ખાબક્યો હતો. રાત્રિના 10 થી 12 દરમિયાન 40 મિલીમીટર અને વહેલી સવારે 4 થી 6 દરમિયાન 34 મિલીમીટર જેવો ભારે વરસાદ નોંધાયો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ ભારે વરસાદને પગલે નવરાત્રિના આયોજકોએ ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગત રાત્રિના ગરબા કાર્યક્રમો રદ્દ કર્યા હતા, જેનાથી ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી હતી. વધુમાં, સતત વરસાદ અને પવનને કારણે વહેલી સવારે શહેરના અનેક વિસ્તારોમાં ઉભા કરાયેલા ગરબાના સુશોભિત મંડપો જમીનદોસ્ત થઈ ગયા હતા. આ ઘટનાને કારણે આયોજકોને ડેકોરેશન અને સાઉન્ડ સિસ્ટમ જેવી વસ્તુઓમાં મોટું આર્થિક નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો હતો, જેમાં સૂત્રાપાડા તાલુકો 204 મિલીમીટર વરસાદ સાથે સૌથી વધુ પ્રભાવિત થયો હતો. હાલ આયોજકો દ્વારા નુકસાનીનો તાગ મેળવવામાં આવી રહ્યો છે અને ખેલૈયાઓ આગામી દિવસોમાં હવામાન સાનુકૂળ રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ