ગીર સોમનાથ 29 સપ્ટેમ્બર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લા અને ઉપરવાસ ગીરના જંગલ વિસ્તારમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે ગીર જંગલમાં આવેલો હિરણ-2 ડેમ તેની સંપૂર્ણ સંગ્રહ સપાટીએ ભરાઈ ગયો છે.
ડેમમાં પાણીની સતત આવકને નિયંત્રિત કરવા અને ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા ડેમના 5 દરવાજા 0.10 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા તેની સીધી અસર વેરાવળની દેવકા નદી પર જોવા મળી છે. નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જો ગીરના જંગલ વિસ્તારમાં વરસાદનું જોર યથાવત રહેશે તો ડેમમાંથી વધુ પાણી છોડવાની ફરજ પડી શકે છે. આ સંજોગોમાં, વેરાવળ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની પ્રબળ આશંકા છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા નદી કિનારાના અને શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સાવચેતીના તમામ પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી છે. જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ