મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): ઉત્તર ગુજરાતના ઉદ્યોગજગત માટે એક મહત્વપૂર્ણ અવસર ઊભો થયો છે. 9 ઓક્ટોબરથી મહેસાણા જિલ્લાના ગણપત યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યમીઓ માટે પોતાની પ્રોડક્ટ અને સેવાઓ પ્રદર્શિત કરવાની અનોખી તક મળશે.
પ્રદર્શન દરમિયાન ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટના લાઈવ ડેમો આપી શકશે, જેથી ખરીદદારો અને રોકાણકારો સામે પ્રોડક્ટની વિશેષતાઓ સ્પષ્ટ રીતે રજૂ થઈ શકે. સાથે જ B2B મીટિંગ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી ઉદ્યોગકારો અને વેપારીઓને સીધો વ્યાપારિક સંપર્ક કરવાનો લાભ મળશે. આ સાથે રોકાણકારો, બાયર્સ અને પોલિસી મેકર્સ સાથે મળીને નવા વ્યવસાયિક તકો ઉભી કરવાની સુવર્ણ તક પણ પ્રાપ્ત થશે.
સરકારશ્રી દ્વારા આયોજિત આ પ્રદર્શન ઉદ્યોગોને માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ વિશાળ વિઝિબિલિટી આપશે. ઉદ્યોગકારો માટે આ પ્લેટફોર્મ પોતાના નેટવર્કને મજબૂત બનાવવા, નવા માર્કેટ શોધવા અને નવી ટેક્નોલોજી સાથે જોડાવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ઉદ્યોગજગતના વિકાસને ગતિ આપવા માટે આ પ્રકારનું આયોજન મહેસાણા જિલ્લામાં પ્રથમવાર થઈ રહ્યું છે, જે ઉત્તર ગુજરાતને ઉદ્યોગ હબ તરીકે વધુ મજબૂત સ્થાન આપશે. નાના-મોટા તમામ ઉદ્યોગો માટે આ એક સોનેરી તક સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR