મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં લોકશાહી પ્રક્રિયાને પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે ચૂંટણી સંબંધિત તૈયારીનો એક મહત્વપૂર્ણ તબક્કો આજે પૂર્ણ થયો. આજરોજ કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમે નાગલપુર ખાતે આવેલા જિલ્લા સ્તરના EVM અને VVPAT વેરહાઉસનું આંતરિક નિરીક્ષણ કર્યું.
નિરીક્ષણ દરમ્યાન અધિકારીઓએ વેરહાઉસની સુરક્ષા વ્યવસ્થા, મશીનોની સાચવણીની પદ્ધતિ, સ્ટોક રજિસ્ટર, સીસીટીવી કેમેરા સુવિધા, આગ સુરક્ષા ઉપકરણો તથા મશીનના રક્ષણાત્મક ઉપાયોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું. અધિકારીઓએ સુનિશ્ચિત કર્યું કે તમામ મશીનો સીલબંધ અને નિયમાનુસાર સંગ્રહિત છે. સાથે સાથે ચૂંટણી કાર્યમાં લાગેલા કર્મચારીઓને વેરહાઉસ મેનેજમેન્ટની વ્યવહારુ માર્ગદર્શિકા આપવામાં આવી. કલેકટરએ જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે EVM તથા VVPAT મશીનોનું યોગ્ય સંભાળ ખૂબ જ આવશ્યક છે. આ મશીનો મતદારોના વિશ્વાસનું પ્રતિક છે, તેથી તેમની સુરક્ષા અને સંભાળ અંગે કોઈપણ પ્રકારની બેદરકારી ન ચાલે.
વેરહાઉસની મુલાકાત દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ મતદાન પહેલાં, દરમિયાન તથા બાદમાં અપનાવવાની સાવચેતી અંગે સૂચનો આપ્યા. આ ઉપરાંત અધિકારીઓએ જણાવ્યું કે લોકશાહી તહેવાર તરીકે ઓળખાતી ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ બનાવવા જિલ્લા તંત્ર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. આ નિરીક્ષણથી સ્પષ્ટ થાય છે કે મહેસાણા જિલ્લામાં આવનારી ચૂંટણી માટે તમામ તૈયારીઓ તદ્દન કડક સુરક્ષા માપદંડોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR