જામજોધપુરના MLA હેમંત ખવાનો ડુંગળીના ભાવનો વિરોધ, રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું
જામનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) : જામજોધપુર-લાલપુર મત વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ખેડૂતો સાથે મળીને ડુંગળીના ઓછા ભાવ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ જામજોધપુર મીની બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે યોજાયો હતો, જ્યાં મામલતદારને આ
ધારાસભ્યનું આવેદન


જામનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) : જામજોધપુર-લાલપુર મત વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ખેડૂતો સાથે મળીને ડુંગળીના ઓછા ભાવ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ જામજોધપુર મીની બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે યોજાયો હતો, જ્યાં મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

રેલી દરમિયાન, હેમંત ખવા અને ખેડૂતોએ રસ્તામાં વેપારીઓ, રિક્ષાચાલકો, લારીવાળાઓ અને અન્ય લોકોને વિનામૂલ્યે ડુંગળી આપીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રદર્શન દ્વારા ખેડૂતોની વેદના અને ડુંગળીના નીચા ભાવની સમસ્યાને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો. રાજ્યના લાખો ડુંગળી ઉત્પાદક ખેડૂતો સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે. હાલમાં ડુંગળીના બજાર ભાવ પ્રતિ કિલો ₹3 થી ₹7 જેટલા નીચા છે, જ્યારે તેનો ઉત્પાદન ખર્ચ પ્રતિ કિલો ₹10 જેટલો થાય છે. ઉત્પાદન ખર્ચ અને વેચાણ ભાવ વચ્ચેના આ મોટા તફાવતને કારણે ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે.

આ સમસ્યાના મુખ્ય કારણોમાં ડુંગળીની નિકાસ પર લાગેલા પ્રતિબંધોનો સમાવેશ થાય છે, જેના કારણે બજારમાં પુરવઠો વધી ગયો છે અને ભાવ ઘટ્યા છે. ઉપરાંત, ડુંગળી માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી. બજારમાં સરકારી હસ્તક્ષેપનો અભાવ પણ એક મોટું કારણ છે.

સરકારી એજન્સીઓ દ્વારા ડુંગળીની ખરીદી અથવા બજાર નિયંત્રણની કોઈ અસરકારક વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને ખુલ્લા બજારમાં ભાવની અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. ધારાસભ્ય અને ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં મુખ્યત્વે ડુંગળી માટે ઉત્પાદન ખર્ચને આધારે MSP નક્કી કરવા અને તેની ખરીદીની ખાતરી આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધો દૂર કરવા અથવા સ્થિર નિકાસ નીતિ ઘડવાની પણ અપીલ કરાઈ છે.અન્ય માંગણીઓમાં NAFED અથવા અન્ય સરકારી એજન્સીઓ દ્વારા ડુંગળીની ન્યાયી ભાવે ખરીદી, માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ (MIS) હેઠળ નાણાકીય સહાયની રકમ અને અવકાશ વધારવો, તેમજ ડુંગળીના સંગ્રહ માટે સબસિડી અને આધુનિક વેરહાઉસ સુવિધાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ અત્યંત દયનીય બની રહી છે.

જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતો ખેતી છોડવા મજબૂર બનશે, જે રાજ્યના કૃષિ અર્થતંત્રને ગંભીર અસર કરશે. આવેદનપત્રમાં તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરવામાં આવી છે અને ચેતવણી અપાઈ છે કે જો આગામી સમયમાં હકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande