જૂનાગઢ,29 સપ્ટેમ્બર (હિ.સ.) કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયનાં સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ સ્ટાર્ટઅપ સેલ દ્વારા
એસ.એસ.આઈ.પી.–૨.૦ના અમલીકરણ અંગે વિદ્યાર્થીઓમા અને ફેકલ્ટી સભ્યોમાં જાગૃતતા કાર્યક્રમ આવતી કાલે તા. ૩૦ સપ્ટેમ્બરના યોજાશે
જૂનાગઢ,તા.૨૯ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયનાં સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ સ્ટાર્ટઅપ સેલ દ્વારા એસ.એસ.આઈ.પી.–૨.૦ના અમલીકરણ અંગે વિદ્યાર્થીઓમા અને ફેકલ્ટી સભ્યોમાં જાગૃતતા આવે એ માટે કાર્યક્રમ આવતી કાલે તા.૩૦ સપ્ટેમ્બરના સવારે ૯.૦૦ કલાકે કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયનાં સેમીનાર હોલ ખાતે કૃષિ યુનીવસીટીના કુલપતિ ડો. વી. પી.ચોવટિયાના અધ્યક્ષસ્થાને યોજાશે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ સ્ટાર્ટઅપ સેલની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (એસ.એસ.આઈ.પી.–૨.૦) અમલીકરણ માટે પસંદગી થયેલ છે. જેને કારણે વિદ્યાર્થીઓમાં ખુબજ ઉત્સાહની લાગણી ફેલાઈ છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (એસ.એસ.આઈ.પી.–૨.૦) દ્વારા વિદ્યાર્થીઓમાં ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરી શકાય છે. એસ.એસ.આઈ.પી.–૨.૦ ની પોલિસીનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓને તેમના નવીન વિચારોને સ્ટાર્ટઅપ્સમાં પરિવર્તિત કરવાનો,બૌદ્ધિક સંપદા (IP) પંજીકરણ દ્વારા વ્યાપારીકરણ કરવાનો તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે આર્થીક સહાય આપવાનો છે.
એસ.એસ.આઈ.પી.–૨.૦ પોલિસી દ્વારા જે ગ્રાન્ટ મળશે તે વિદ્યાર્થીના સર્જનાત્મક વિચારો કે સંશોધનોને પ્રોટોટાઇપ બનાવવા માટે અને આઈ.પી.આર. પ્રસ્થાપિત કરવા માટે વાપરી શકાશે. એસ.એસ.આઈ.પી.–૨.૦નું સંપૂર્ણ સંચાલન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયનાં સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ સ્ટાર્ટઅપ સેલ દ્વારા કરવામાં આવશે. જેને અનુલક્ષીને આ સેલ દ્વારા વિદ્યાર્થીઓમા અને ફેકલ્ટી સભ્યોમાં પોલિસીની જાગૃતિ લાવવા હેતુથી એસ.એસ.આઈ.પી.–૨.૦ના અમલીકરણના ઉદઘાટન કાર્યક્રમ યોજાનાર છે.
આ તકે કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખાના પ્રિન્સીપાલ અને ડીન ડો. એચ.ડી. રાંક,મહાવિદ્યાલયના સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ સ્ટાર્ટઅપ સેલના કન્વીનર ડો.ટી.ડી.મેહતા તેમજ જૂનાગઢ કૃષિ યુનીવેર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ