મહેસાણામાં ONGC-CEEનો પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્રોજેક્ટ – 20 ગામોમાંથી 10 ટન પ્લાસ્ટિક એકત્રિત
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણામાં પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસની દિશામાં એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. ONGC તથા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) સંસ્થાના સંયુક્ત ઉપક્રમ હેઠળ ‘પ્રોજેક્ટ રોચક’ નામે પ્લાસ્ટિક રિસાયક્લિંગ અભિયાન શરૂ કરાયું છે.
મહેસાણામાં ONGC-CEEનો પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્રોજેક્ટ – 20 ગામોમાંથી 10 ટન પ્લાસ્ટિક એકત્રિત


મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણામાં પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસની દિશામાં એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. ONGC તથા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) સંસ્થાના સંયુક્ત ઉપક્રમ હેઠળ ‘પ્રોજેક્ટ રોચક’ નામે પ્લાસ્ટિક રિસાયક્લિંગ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપી પર્યાવરણ પ્રત્યે લોકોમાં જવાબદારીની ભાવના જગાવવાનો છે.

અભિયાનની શરૂઆત જોટાણા તાલુકાના સુરજ ગામેથી કરવામાં આવી, જ્યાં વિશેષ ફ્લેગ ઓફ કાર્યક્રમનું આયોજન થયું. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને પ્લાસ્ટિકના નુકસાન, તેને અલગ એકત્ર કરવાની પદ્ધતિ અને રિસાયક્લિંગની પ્રક્રિયા અંગે માહિતગાર કરવામાં આવ્યા. આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી મહેસાણા જિલ્લાના 20 ગામોમાંથી આશરે 10 ટન પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે, જે બાદમાં રિસાયક્લિંગ માટે મોકલવામાં આવ્યો. આ કામગીરીમાં સ્થાનિક ગ્રામજનો, મહિલા મંડળો, શાળાના વિદ્યાર્થીઓ અને યુવાઓની સક્રિય ભાગીદારી નોંધાઈ છે.

ONGC અને CEEના પ્રતિનિધિઓએ જણાવ્યું કે પ્લાસ્ટિક કચરાને યોગ્ય રીતે સંભાળીને માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ આરોગ્ય પર પણ સકારાત્મક અસર થાય છે. ગામોમાં આ અભિયાનથી લોકોને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને રિસાયક્લિંગ અંગે નવી જાગૃતિ મળી રહી છે. મહેસાણાથી શરૂ થયેલું આ મોડેલ પ્રોજેક્ટ આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ અમલમાં મૂકવાની યોજના છે. આ પહેલ ગ્રામ્ય સ્તરે પર્યાવરણ સુરક્ષા માટે એક પ્રેરણાદાયક પગલું સાબિત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande