એએમએનએસ પ્લાન્ટમાં ક્રેઈન ધરાશાયી થતાં એકનું મોત, ચાર કામદાર ઘાયલ
ક્રેઈનનો કાટમાળ પડતાં ઘાયલ તમામ કામદારો સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ
એએમએનએસ પ્લાન્ટમાં ક્રેઈન ધરાશાયી


સુરત, 29 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરનાં છેવાડે આવેલ હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ (એએમએનએસ)માં આજે સવારે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. એએમએનએસ પ્લાન્ટમાં આજે સવારે ક્રેન ધરાશાયી થતાં એક કામદારનું કરૂણ મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ અન્ય કામદારોને ગંભીર ઈજા પહોંચતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોનારતને પગલે પ્લાન્ટમાં કામ કરી રહેલા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયા હતા. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

મહાકાય ઔદ્યોગિક એકમોથી ધમધમતાં હજીરા વિસ્તારમાં આવેલ એમએમએનએસ પ્લાન્ટમાં આજે સવારે 8 કલાકની આસપાસ કોકો ગેટ પાસે આઈડીટી સિમેન્ટેશન પ્લાન્ટેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી હતી. 100થી વધુ કર્મચારીઓ દ્વારા આ પ્લાન્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન અચાનક ક્રેન નિર્માણાધીન ટાવરમાં ફસાઈ ગઈ હતી. જેને પગલે ક્રેઈનનાં ચાલક દ્વારા ટાવરમાંથી ક્રેઈનને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. અલબત્ત, ટાવરમાં ફસાયેલી ક્રેઈન બહાર નીકળે તે પહેલાં તેનાં બે ટુકડા થઈ ગયા હતા. જેને પગલે પ્લાન્ટમાં કામ કરી રહેલા કામદારોમાં પણ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ આ હોનારતને પગલે પ્લાન્ટેશનની કામ કરી રહેલા 45 વર્ષીય મુળ બિહારનાં કર્મચારી બિનોદ પાસવાન પર ક્રેઈનનો કાટમાળ ધરાશાયી થતાં તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ કામદારોને ઈજા પહોંચતાં તાત્કાલિક તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

એએમએનએસ પ્લાન્ટમાં કોકો ગેટ પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતને પગલે કંપનીમાં કામ કરતાં કર્મચારીઓમાં પણ નાસભાગ મચી જવા પામી હતી. બીજી તરફ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા બાદ સમગ્ર ઘટના વાયુવેગે આસપાસનાં પંથકમાં પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું ગેટની બહાર ઉમટી પડ્યું હતું. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘસી ગયો હતો અને હાલમાં પ્રાથમિક ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘાયલોમાં શેહઝાદ, મઝહર, સોનુ અને જમશેદ હોવાનું જાણવા મળ્યું છે. હોનારત સમયે ઘટના સ્થળે 20થી 22 કર્મચારીઓ કાર્યરત હતા જે પૈકી એકનું મોત અને અન્ય ચાર ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક વિનોદ પાસવાન છેલ્લા કેટલાક સમયથી હજીરા ખાતે જ લેબર કોલોનીમાં રહેતો હતો અને કોન્ટ્રાક્ટ પર એએમએનએસ પ્લાન્ટમાં કામ કરતો હતો. મૃતક વિનોદ પાસવાનનાં અકાળે નિધનને પગલે પાંચ બાળકો સહિત પત્ની નોધારા બની ચુક્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande