મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા તાલુકાના મેઉ ગામ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ટીબી પેશન્ટની વિજીત કરવામાં આવી. તબીબી ટીમે દર્દીની ઘરઆંગણે જઈને આરોગ્યની હાલત તપાસી, સારવારની પ્રગતિ અંગે માહિતી મેળવી તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું. પેશન્ટને યોગ્ય રીતે દવાઓ લેવાની સમજ આપવામાં આવી સાથે સાથે પરિવારજનોને પણ સારવાર દરમિયાન અપનાવવાની સાવચેતી અંગે જાગૃત કરવામાં આવ્યા.
ટીમે દર્દીનો દૈનિક આરોગ્ય રિપોર્ટ ચકાસ્યો જેમાં જણાયું કે સારવાર પછી હાલતમાં ધીમે ધીમે સુધારો દેખાઈ રહ્યો છે. પરંતુ સંપૂર્ણ નિયંત્રણ અને આરોગ્યની ખાતરી કરવા માટે દર મહિને નિયમિત ચકાસણી ફરજિયાત રહે છે. આ માટે દર્દીને બીજા મહિના માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ફોલોઅપ ચકાસણી માટે રેફર કરવામાં આવ્યો છે. અહીં દર્દીને નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરવામાં આવશે અને સારવારના આગળના તબક્કા અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
ગ્રામજનોને પણ આ પ્રસંગે જણાવવામાં આવ્યું કે ટીબી એક ચેપજન્ય બીમારી છે, પરંતુ સમયસર દવા લેવાથી તેનું સંપૂર્ણ નિવારણ શક્ય છે. આરોગ્ય વિભાગની ટીમે ગામના લોકોમાં ટીબી વિશે જાગૃતિ ફેલાવી અને કોઈપણ લક્ષણો જણાય તો તરત જ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી. આવી કામગીરીથી સરકારના આરોગ્ય મિશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો સુધી અસરકારક સારવાર અને તબીબી સુવિધા પહોંચે છે. મેઉ ગામના ટીબી પેશન્ટને ફોલોઅપ માટે મહેસાણા સિવિલમાં મોકલાવવાથી સારવાર વધુ સુવ્યવસ્થિત અને નિયંત્રણમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR