ભરૂચ, 29 સપ્ટેમ્બર (હિ.સ.): માતાજીના આસો મહિનાના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના તાત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સંત-શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમના દીકરી અને ટ્રસ્ટી અનારબેન પટેલ પણ જોડાયા હતા. સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ ખોડલધામ મંદિરે મા ખોડલના દર્શન કર્યા હતા. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ સહિતના આગેવાનોએ તેમને ઉષ્માભેર આવકાર્યા હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલે માઁ ખોડલના ભવ્ય મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તેમણે સમાજ અને રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં તેમણે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી અને તેની સરાહના કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ અને તેમના દીકરી અનારબેન પટેલના હસ્તે માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાનો પવિત્ર લ્હાવો પણ લેવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર અને મા ખોડલના જયઘોષ વચ્ચે તેમણે મા ખોડલની ધ્વજા ચડાવી હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે રાજ્યપાલ આનંદીબેન પટેલેની આ મુલાકાતને પ્રેરણાદાયી ગણાવી હતી. તેમણે ટ્રસ્ટની ભાવિ યોજનાઓ અને સામાજિક કાર્યો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના અન્ય ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ