પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રિના દિવસો શરૂ થતાં અને દિવાળી-નૂતન વર્ષ નજીક આવતા પાટણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. દર વર્ષે જેમ તહેવારો નજીક આવે છે, તેમ શહેરના સાંકડા માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આજે પણ બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન રોડ અને સરદાર પટેલ પ્રતિમાથી જયવીર નગર સોસાયટી સુધી ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
શહેરના ત્રણ દરવાજા, બગવાડાથી રેલવે સ્ટેશન રોડ અને જૂના બસ સ્ટેશનથી પારેવા સર્કલ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રેનના આગમન સમયે રીક્ષા ચાલકો મુસાફરો લેવા આવતા હોવાથી નિયમિતપણે ટ્રાફિક જામ સર્જાય છે. સાથે સાથે ભારે વાહનોની અવરજવર પણ ટ્રાફિક સમસ્યામાં વધારો કરે છે.
તાજેતરમાં પાટણ આવેલા આઈજી સમક્ષ શહેરીજનો દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ હજુ સુધી તેનો કોઈ નક્કર અમલ થયેલો નથી. તહેવારોના આ દિવસોમાં શહેર પોલીસ અને ટી.આર.બી.ના જવાનોને ચોક્કસ પોઈન્ટ પર તૈનાત કરીને ટ્રાફિક વ્યવસ્થાપન માટે તાત્કાલિક પગલાં લેવાં ખૂબ જ જરૂરી છે, જેથી શહેરીજનોને રાહત મળી શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ