પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા વિજયાદશમીના પાવન અવસરે પાટણ તાલુકાનો ઉત્સવ કુણઘેર ખાતે ભવ્ય રીતે ઉજવાયો. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી વિ.સા. ઝરોળા સાર્વજનિક હાઈસ્કૂલ, કુણઘેર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવની શરૂઆત પરંપરાગત શસ્ત્રપૂજનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ તાલુકાથી 201 ગણવેશધારી સ્વયંસેવકો, 71 ભાઈઓ અને 39 બહેનો હાજર રહી સમાજશક્તિ સ્વરૂપે ઉત્સવને ઉજવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મહેસાણા વિભાગના સદ્ભાવ સંયોજક શ્રમેશ જોષી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજયાદશમી ઉત્સવનું મહત્ત્વ, સંઘનો ઇતિહાસ, કાર્યો અને સમાજમાં સંઘની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપી. શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ દ્વારા લેવાયેલા ‘પંચ પરિવર્તન’ના અભિગમની પણ તેમણે વિસ્તૃત ચર્ચા કરી. તેમજ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત એમ.એન. સાયન્સ કોલેજના પ્રાધ્યાપક ડૉ. રાકેશ પટેલે રાષ્ટ્ર, ધર્મ અને સંઘના સેવાકાર્યોમાં સક્રિય રહેવા માટે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું.વિજયાદશમીના પવિત્ર દિવસે રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો દ્વારા ઝવેરા અને ઢોલ સાથે ભક્તિમય શોભાયાત્રા કાઢવામાં આવી, જેણે સમગ્ર માહોલને ઉત્સાહભેર ભરપૂર કર્યો. મંચસ્થ મહાનુભાવોનો પરિચય, સ્વાગત પ્રવચન અને આભાર વિધિ પાટણ તાલુકા કાર્યવાહ શૈલેષભાઈ પટેલે કરી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કુણઘેર શાખાના સ્વયંસેવકો અને તાલુકા કાર્યકારિણીના સભ્યો દ્વારા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ