અમરેલી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા. “સ્વચ્છતા હિ સેવા 2025” અંતર્ગત યોજાયેલી આ મુલાકાતે રાજ્યપાલશ્રીએ ગામજનોને સ્વચ્છતા અને પ્રાકૃતિક ખેતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.
પ્રતાપગઢના ચોરાહે ઊભા રહી રાજ્યપાલશ્રીએ ગામલોકો સાથે સીધો સંવાદ કર્યો અને જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી જ ખેડૂતોના ભવિષ્ય માટે સાચો રસ્તો છે. તેમણે રસાયણિક ખેતીના ખતરાઓની ચર્ચા કરતાં સ્થાનિકોને સમજાવ્યું કે પ્રાકૃતિક ખેતી જમીનની ઉર્વરાશક્તિ વધારવા, પાણીની બચત કરવા અને માનવ આરોગ્યને સુરક્ષિત રાખવા માટે અનિવાર્ય છે.
આ અવસરે રાજ્યપાલએ પોતાના વરદહસ્તે વૃક્ષારોપણ પણ કર્યું હતું. પ્રતાપગઢના ગામલોકોએ રાજ્યપાલશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે પ્રાથમિક શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જીવનમૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું.
ખેડૂતો સાથેની બેઠકમાં રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓનું વિગતવાર વર્ણન કર્યું અને ખેડૂતોને આ દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા. સાંજે રાજ્યપાલ અનુજાતિ યુવાન હસમુખ મેવાડાના નિવાસસ્થાને ભોજન લીધું અને ત્યારબાદ પ્રાથમિક શાળામાં રાત્રિવિશ્રામ કર્યો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન અમરેલી પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai