અમરેલી , 30 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા. આ અવસર પર તેમણે કોલેજના પ્રાકૃતિક કૃષિ આધારિત ફાર્મનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમ્યાન રાજ્યપાલશ્રીએ વિવિધ ધાન્ય, કઠોળ તથા અન્ય પાકોની પ્રાકૃતિક ખેત પદ્ધતિઓને નજીકથી જોવાની તક મેળવી.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર ઉત્પાદન વધારવા માટે નહીં, પરંતુ જમીનને ઉર્વરાશીલ બનાવવામાં, પાણીની બચત કરવા તથા માનવ આરોગ્ય માટે શુદ્ધ અને ઝેરી રહિત અન્ન પૂરું પાડવામાં પણ મહત્વપૂર્ણ છે. તેમણે વિદ્યાર્થીઓ અને ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું કે રસાયણિક આધારે થતી ખેતી જમીન અને પાણી માટે નુકસાનદાયક બની રહી છે, તેથી પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે.
કોલેજના નિષ્ણાતોએ રાજ્યપાલને પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ દ્રાવણો, જીવામૃત, ઘનજીવામૃત અને બિયામૃત જેવી પદ્ધતિઓ વિશે માહિતી આપી. સાથે જ તેમણે દર્શાવ્યું કે કેવી રીતે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરી ખેડૂત ઓછી કિંમતમાં વધારે લાભ મેળવી શકે છે.
મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે તેઓ આધુનિક વિજ્ઞાન અને પરંપરાગત જ્ઞાન વચ્ચે સંતુલન સાધી પ્રાકૃતિક ખેતીનું પ્રચાર-પ્રસાર કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવી પહેલો ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવશે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે.
આ રીતે રાજ્યપાલની આ મુલાકાતે માત્ર કોલેજ માટે નહીં પરંતુ સમગ્ર પ્રદેશના ખેડૂતો માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai