જૂનાગઢ,30 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિવિધ જિલ્લામાં ઉદ્યોગકારો, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે જીએસટીમાં ઘટાડો અને સ્વદેશી અભ્યાન તેમજ વોકલ ટુ લોકલ મુદ્દે વિડીયો માધ્યમથી સંવાદ કર્યો જેમાં આજે જુનાગઢ જિલ્લાના ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ પણ સહભાગી થયા હતા.
દેશમાં બનતી ચીજ વસ્તુઓ- ઉત્પાદનો એ આપણા દેશનું ગૌરવ છે. સ્થાનિક વેપારીઓ ઉદ્યોગકારો અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિવિધ ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં આત્મનિર્ભર ગુજરાત થકી આત્મ નિર્ભર ભારત નો મંત્ર સાકાર કરી ગુજરાત સરકાર પણ આ દિશામાં કટિબદ્ધ છે.જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ ના મંત્રી અને FSKCCI ( ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી) ના મંત્રી સંજયભાઈ પુરોહિત આ વિડીયો કોન્ફરન્સમાં વડોદરા ખાતેથી જોડાયા હતા.
બાદમાં તેણે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સરકારના વિવિધ અભિયાનો-યોજનાઓના માધ્યમથી વોકલ ટુ લોકલ ને પ્રોત્સાહન મળી રહ્યું છે. તાજેતરમાં જીએસટીના સ્લેબમાં જે ઘટાડો થયો છે તેનો લાભ લોકોને મળે તે માટે જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ કટિબદ્ધ છે. વેપારીઓ આપણા દેશની ચીજ વસ્તુઓ વેચે અને ગ્રાહકો એ ખરીદે આમ સૌના સહકારથી આપણે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ તેમ જણાવ્યું હતું.
જૂનાગઢના અગ્રણી અને જીઆઇડીસી-૧ના પ્રમુખ અમૃત દેસાઈ અને જીઆઇડીસી વિસ્તારના ઉદ્યોગકારો પણ આજે જીઆઇડીસી ખાતેથી મુખ્યમંત્રીના ઓનલાઈન સંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા.
બાદમાં અમૃત દેસાઈ એ વાત કરતા જણાવ્યું હતું જીએસટી માં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે. સ્વદેશી અભિયાન થી સ્થાનિક ધંધા રોજગાર અને ઇન્ડસ્ટ્રીઝ કારીગર વર્ગને પ્રોત્સાહન મળશે. માં ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવા સ્વદેશી અભિયાન એ આજની જરૂરિયાત છે. વડાપ્રધાન ના નેતૃત્વમાં સ્વદેશી અભિયાનને સફળ સાકાર કરી વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારીએ તેમ જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ