કાઠમંડુ, નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર (હિ.સ.): ભારતના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ આજે નેપાળમાં ભગવાન ગૌતમ બુદ્ધના પવિત્ર જન્મસ્થળ લુંબિનીની યાત્રા કરી. ન્યાયતંત્રનું સર્વોચ્ચ દાયિત્વ સંભાળ્યા બાદ તેમની આ પ્રથમ નેપાળ યાત્રા છે. તેમણે લુંબિની આગમનને એક વિશેષ આધ્યાત્મિક અવસર ગણાવ્યો.
શનિવાર સવારે લુંબિની પહોંચેલા ગવઈનું લુંબિની વિકાસ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ ડૉ. લ્હારકયાલ લામા, સભ્ય સચિવ સનુરાજ શાક્ય, કાર્યકારી સભ્ય શ્યામ રોક્કા, વરિષ્ઠ પ્રશાસન પ્રમુખ જ્ઞાનિન રાય અને ટ્રસ્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સ્વાગત કર્યું.
યાત્રા દરમિયાન ગવઈએ લુંબિની વિસ્તારના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ વિશે જાણકારી મેળવી. તેમણે મંદિર પરિસરનું દર્શન કર્યું, બુદ્ધના જન્મસ્થળનું અવલોકન કર્યું અને સૂત્ર પાઠ કર્યો. તેમણે વિશ્વ શાંતિ, માનવ કલ્યાણ, નેપાળની પ્રગતિ અને ભારત-નેપાળ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વધુ મજબૂત થાય તેવી કામના સાથે દીપ પ્રજ્વલિત કર્યો.
લુંબિનીની પોતાની મુલાકાત બાદ ગવઈએ લુંબિની વિકાસ કોષના અધિકારીઓ સાથે માસ્ટર પ્લાન તેમજ હાલ ચાલી રહેલી વિકાસ અને બાંધકામ પ્રવૃત્તિઓનું અવલોકન કર્યું. તેમણે લુંબિનીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવા માટે નેપાળના પ્રયત્નોની પ્રશંસા કરી તથા વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વિસ્તારમાં ભારતનું સહકાર યથાવત્ રહેશે.
મુખ્ય ન્યાયાધીશ ગવઈ નેપાળમાં આયોજિત ‘નેપાળ-ભારત ન્યાયિક સંવાદ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નેપાળ યાત્રા પર છે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સચિન બુધૌલિયા
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ