પોરબંદર, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે “સેવા પખવાડિયા”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે યોજાનારા “સેવા પખવાડિયા” સંદર્ભે પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી તથા તમામ મંડળના પ્રમુખ, મહામંત્રીઓ, ઈન્ચાર્જ અને સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં “સેવા પખવાડિયા અનુસંધાને યોજાનાર કાર્યક્રમોને લઇ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સેવા પખવાડિયા ના ઈન્ચાર્જ તરીકે લક્કીરાજસિંહ વાળા અને મશરીભાઈ ખૂંટીની નિમણુંક કરવામાં આવી છે. આ સેવા પખવાડિયાના આયોજન માટે ભાજપના સિનિયર આગેવાન કેતનભાઈ દાણી માર્ગદર્શન પૂરું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ તા.17 સપ્ટેમ્બરના રોજ છે. “સેવા પરમો ધર્મના સિદ્ધાંતને પરિપૂર્ણ કરી રહેલ વડાપ્રધાનના નેતૃત્વમાં સમાજના ગરીબ, શોષિત અને વંચિત વર્ગના ઉત્થાન માટે ઘણા ઐતિહાસિક કાર્યો થઈ રહ્યા છે. તેમનું વ્યક્તિત્વ અને કાર્યો અદ્વિતીય છે. દર વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને તા. 17 સપ્ટેમ્બરથી તા.2 ઓક્ટોબર, ગાંધી જયંતિ સુધી “સેવા પખવાડા” તરીકે વિવિધ પ્રકારના સેવાકીય અને સામાજિક કાર્યક્રમો દ્વારા ઉજવીએ છીએ અને વડાપ્રધાનના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા આપતા તેઓના વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઈએ છીએ.
ભારતના 79મા સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા, ભારતને આત્મનિર્ભર બનાવવા, ટેકનોલોજી અને નવા આયામોમાં વૈશ્વિક નેતૃત્વ પ્રાપ્ત કરવા, સમાજના તમામ વર્ગો સુધી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા “વોકલ ફોર લોકલ”ના મંત્ર સાથે 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આહવાન કર્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સૂચના મુજબ તા.17સપ્ટેમ્બર, માન. વડાપ્રધાનના જન્મદિવસથી તા. 02 ઓક્ટોબર, ગાંધી જયંતિ સુધી “સેવા પખવાડા દરમિયાન દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે જે અંતર્ગત પોરબંદરમાં પણ કાર્યક્રમો યોજાશે. જેમાં સ્વચ્છતા અભિયાન, “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ, રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર વડાપ્રધાનના જીવન પર બનેલી દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન, પ્રબુદ્ધ વર્ગ સંવાદ, દિવ્યાંગો અને રાજ્ય ના અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવું, “વોકલ ફોર લોકલ'નો પ્રચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષેના પસંદગીના પુસ્તકોનું વિતરણ, સંસદ રમત-ગમત સ્પર્ધા, વિકસિત ભારત ચિત્ર સ્પર્ધા, મોદી વિકાસ મેરેથોન, વડાપ્રધાન મોદીના જીવન ૫૨ આધારિત પ્રદર્શની, તા. 25 સપ્ટેમ્બર - પંડિત દિન દયાળ ઉપાધ્યાય જન્મ જ્યંતી, તા. 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતી વગેરે કાર્યક્રમોના આયોજન માટે ચર્ચાઓ અને પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya