ક્વેટા (બલોચિસ્તાન) પાકિસ્તાન, નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.): પાકિસ્તાનના પ્રાંત બલુચિસ્તાનમાં ઈરાનની સરહદ નજીક કેચ જિલ્લાના માંડ વિસ્તારમાં શુક્રવારે થયેલા એક સશસ્ત્ર હુમલામાં બે સુરક્ષાકર્મીઓ મોતને ભેટ્યા. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ હુમલો કોહ-પુશાત બજારમાં થયો હતો. સશસ્ત્ર હુમલાખોરોએ મોટરસાયકલ સવાર સુરક્ષાકર્મીઓ પર ઘાતક રીતે ગોળીબારી કરી હતી. ગોળીબારીમાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું.
‘ડોન’ અખબારના અહેવાલ મુજબ, લેવી દળો અને અન્ય સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને વિસ્તારને ઘેરી લીધો અને મૃતદેહોને નજીકના એક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડ્યા. માર્યા ગયેલા સુરક્ષા કર્મચારીઓની ઓળખ અબ્દુલ અઝીઝ અને જમિલ અહમદ તરીકે થઈ છે. હુમલાના સમયે બંને સાદા કપડાંમાં હતા. ‘ધ બલોચિસ્તાન પોસ્ટ’ અનુસાર, આ હુમલાની જવાબદારી હજી સુધી કોઈપણ સંગઠને લીધી નથી.
હિંદુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ