પાટણ, 7 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરની ગણેશવાડી, ભદ્ર ખાતે ગજાનન મંડળી દ્વારા આયોજિત દેશના સૌથી જૂના સાર્વજનિક ગણેશ મહોત્સવની 148મી વર્ષગાંઠની ઉજવણી 12 દિવસ સુધી પૂજન-અર્ચન બાદ વિસર્જન સાથે પૂર્ણ થઈ. વિસર્જન દિવસે ભક્તિભાવપૂર્વક શ્રીજીની આરતી કરવામાં આવી અને ધાર્મિક વિધિ-વિધાન ઉપરાંત ગરબાનું આયોજન પણ કરાયું હતું.
ગણેશજીની શોભાયાત્રા સ્વરૂપે પ્રદક્ષિણા કરવામાં આવી હતી. વિસર્જન માટે મોટાં તપેલામાં પાણી અને ગુલાબની પાંખડીઓ સાથે શાસ્ત્રોક્ત રીતથી માટીની મૂર્તિનું જલકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો, સભાસદો તેમજ અનેક ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
'ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લૌકર યા'ના ઘોષ સાથે ભક્તોએ વિદાય આપીને ભાવનાત્મક ક્ષણો રજૂ કરી. ગજાનન મંડળીના સુનિલ પાગેદારે જણાવ્યું કે આગામી વર્ષે 149મો ગણેશોત્સવ પણ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઉજવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ