અમરેલી ,7 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ અમરેલી જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (UPHC) ખાતે આશા કાર્યકરોની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મિટિંગ દરમિયાન આશા બહેનોને આરોગ્યના વિવિધ કાર્યક્રમો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરીને માતૃત્વ અને શિશુ આરોગ્ય, પોષણ અભિયાન, ક્ષય નિયંત્રણ કાર્યક્રમ, મલેરિયા નિયંત્રણ, રસીકરણ, તેમજ નાનાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટેની સરકારની યોજનાઓ અંગે સમજણ અપાઈ. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં લોકો સુધી આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચે તે માટે આશા બહેનોની ભૂમિકા પર ભાર મૂકાયો.
આ ઉપરાંત, સ્વચ્છતા અભિયાન, ડેન્ગ્યૂ–ચિકનગુનિયા જેવી ઋતુજન્ય બીમારીઓથી બચાવ અંગે જાગૃતિ ફેલાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા. આરોગ્ય શિક્ષણ દ્વારા લોકોમાં આરોગ્ય પ્રત્યેની સાવચેતી વધે અને રોગપ્રતિકારક પગલાં અમલમાં આવે તે માટે આશા બહેનોને પ્રેરિત કરવામાં આવી.
મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓએ આશા બહેનોને આરોગ્ય સેવા કાર્યમાં સતત સક્રિય રહી લોકો સુધી સરકારની સેવાઓ પહોંચાડવા અપીલ કરી હતી. આ મિટિંગથી આશા બહેનોમાં નવી ઉર્જા અને પ્રેરણા જોવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai