અમરેલી , 7 સપ્ટેમ્બર (હિ.સ.):;ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા આજે અમરેલી–વડિયા–કુંકાવાવ વિધાનસભા ક્ષેત્રના શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા તથા રાજ્ય સ્તરના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રશિક્ષણ વર્ગમાં સંયોજકોને આગામી ચૂંટણીની તૈયારી, સંગઠન મજબૂત બનાવવા માટેની નીતિઓ તેમજ મતદાર યાદી સંચાલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
જિલ્લા ભાજપના અધ્યક્ષે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સંગઠનનું બળ શક્તિકેન્દ્ર સ્તરે કાર્યરત કાર્યકરો છે. તેઓ જેટલા સજાગ અને સક્રિય રહેશે, તેટલું ચૂંટણીમાં સફળ પરિણામ મળે છે. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન બૂથ મેનેજમેન્ટ, સોશ્યલ મીડિયા દ્વારા પ્રચાર, લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા તથા ગ્રામ્ય સ્તરે પક્ષની વિચારધારા મજબૂત કરવા માટે ખાસ ચર્ચા યોજાઈ. પ્રશિક્ષણ વર્ગમાં નિષ્ણાતોએ સંયોજકોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું તેમજ વિવિધ જવાબદારીઓ કેવી રીતે સફળતાપૂર્વક નિભાવવી તેની સમજ આપી. કાર્યક્રમ અંતે સંયોજકોને સંગઠન માટે અવિરત સેવા આપવાની શપથ લેવડાવવામાં આવી.
આ રીતે ભાજપ અમરેલી જિલ્લા દ્વારા યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગે કાર્યકરોમાં નવી ઊર્જા અને સંકલ્પનો સંચાર કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai