પાટણ, 7 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નજીક પાલડી ગામ ખાતે આવેલા પ્રાચીન જાળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભાદરવી પૂનમ નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં પાટણ પંથકના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. મેળામાં ચગડોળ, ખાણીપીણીની દુકાનો અને અન્ય મનોરંજનના સાધનો ગ્રામ્યજીવનને ઉમંગભેર બનાવતા હતા.
શનિવારની ચૌદશ રાતથી પૂનમની બપોર સુધી પાટણના ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના કલાકારોએ પરંપરાગત ભવાઈ વેશો રજૂ કર્યા હતા. જુઠણ, રંગલો, કાળકા જેવા લોકપ્રિય વેશોથી શોભિત ભવાઈને ભુંગળ અને વાજિંત્રોની સંગત મળતી હતી. રાત્રે 12 વાગ્યાથી શરૂ થયેલી ભવાઈ સતત દર્શકોનું મન મોહતી રહી.
ભવાઈનું સમાપન પૂનમના દિવસે બપોરે 12 વાગે રામ અને રાવણના યુદ્ધની રમમણ તસવીરથી કરવામાં આવ્યું હતું. કલાકારોએ રામ, રાવણ, સીતા અને હનુમાન જેવા પાત્રો ભજવી પરંપરાને જીવંત કરી હતી. અંતે જાળેશ્વર મહાદેવની આરતી અને વિશેષ પૂજા કરીને ભક્તિમય મેળાનો સમાપન થયુ.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ