ભાવનગર, 7 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર આજે ફિટ ઈન્ડિયા પહેલ અંતર્ગત અને ફિટનેસને દૈનિક જીવનનો હિસ્સો બનાવવાના ઉદ્દેશ સાથે “ફિટનેસ કી ડોઝ, આધા ઘંટા રોજ” થીમ હેઠળ “ફિટ ઈન્ડિયા સાઇક્લિંગ ડ્રાઇવ” (સન્ડે ઑન સાઇકલ) નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે “ફિટ ઈન્ડિયા સાઇક્લિંગ ડ્રાઇવ” ના અવસરે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ સાઇકલ રેલીને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. તેમની આગેવાનીમાં મંડળ કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રેલી ભાવનગર રેલવે અધિકારી વિશ્રામ ગૃહથી શરૂ થઈને નીલમ બાગ સર્કલ, જ્વેલ્સ સર્કલ માર્ગે ફરીથી રેલવે અધિકારી વિશ્રામ ગૃહે પૂર્ણ થઈ હતી. ભાગ લેનારોએ અંદાજે 6 કિ.મી.નું અંતર સાઇકલથી પૂર્ણ કર્યું હતું.
આ આયોજન આરોગ્ય, ફિટનેસ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રેરણાત્મક પ્રયાસ સાબિત થયું હતું. આ અવસરે અપર મંડળ રેલ પ્રબંધક શ્રી હિમાઁશુ શર્મા, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અભિયાનનો મુખ્ય હેતુ રેલ કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને આળસ, તણાવ, ચિંતા અને બીમારીઓથી મુક્તિ અપાવીને સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. ભાવનગર મંડળનું આ પગલું લોકોને દૈનિક જીવનમાં ફિટનેસ પ્રવૃત્તિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ