મહેસાણા, 7 સપ્ટેમ્બર (હિ.સ.): ભારતના હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત માટે આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તાર માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા કચ્છ જિલ્લામાં આગામી 48 કલાક સુધી “રેડ એલર્ટ” જાહેર કરાયું છે.
હવામાન વિભાગ મુજબ, હાલ અરબી સમુદ્ર અને રાજસ્થાન નજીક સક્રિય થયેલી “વેલ-માર્ક્ડ લો પ્રેશર સિસ્ટમ”ના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં “અતિશય ભારે વરસાદ” થવાની આગાહી કરવામાં આવી છે.
પ્રશાસન દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વિજળી ચમક, જોરદાર પવન અને વૃક્ષ પડવાની ઘટનાઓની શક્યતા હોવાથી તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે.
આગામી એક અઠવાડિયે વરસાદી પરિસ્થિતિ યથાવત રહેવાની સંભાવના હોવાથી ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR