અમરેલી,7 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લો કૃષિ આધારિત જિલ્લો છે, જ્યાં મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતી પર નિર્ભર છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને રખડતા પશુઓ, જંગલી પ્રાણીઓ અને નીલગાય જેવા પશુઓના કારણે ભારે નુકસાન સહન કરવું પડતું હતું. ખાસ કરીને લીલીયા તાલુકાના સલડી ગામના ખેડૂતો માટે આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. રાત્રિના સમયે ખેતરોમાં ઘુસી જતાં પશુઓ મગફળી, કપાસ અને અન્ય પાકને બરબાદ કરી નાખતા હતા. જેના કારણે ખેડૂતો ધાન્યવર્ગના પાક જેવા કે જુવાર, મકાઈ કે તલ વગેરે પાકનું વાવેતર કરી શકતા નહોતા. જો વાવેતર કરાતું તો પાકનું 100 ટકા નુકસાન થતું.
આવી સ્થિતિમાં સરકાર દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ માટે ઝટકા મશીન (સોલાર ફેન્સિંગ મશીન) સબસીડી યોજના હેઠળ આપવામાં આવે છે. આ મશીન ખેતરની આસપાસ લગાવવાથી પશુઓને ઝટકો લાગે છે અને તેઓ ખેતરમાં પ્રવેશતા નથી. ઝટકો એટલો હળવો હોય છે કે પશુઓને કોઈ જાનહાની થતી નથી, પરંતુ તેમને ખેતરમાં ઘુસવાની ભય રહે છે. આ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
સલડી ગામના ખેડૂત ધર્મેશ જેન્તીભાઈ દેસાઈએ જણાવ્યું કે તેઓ મગફળી અને કપાસનું વાવેતર કરતા હતા, પરંતુ જંગલી પશુઓના કારણે ખુબ મુશ્કેલી અનુભવતા હતા. ખાસ કરીને જુવાર અને મકાઈ જેવા પાકનું વાવેતર કરવાની હિંમત જ નહોતી કરતા, કારણ કે 100 ટકા નુકસાન થઈ જતું. પરંતુ સરકારની ઝટકા મશીન યોજના હેઠળ તેઓએ ગામના વીસીએ (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) પાસે ફોર્મ ભર્યું અને સબસીડી હેઠળ ઝટકા મશીન મંજૂર થયું.
સરકારની આ યોજના હેઠળ તેમને રૂ. 8,000 જેટલી સબસીડી મળી અને ખેતરમાં મશીન લગાડવામાં આવ્યું. મશીન લગાડ્યા બાદ પાકને સંપૂર્ણ રક્ષણ મળ્યું છે. ધર્મેશભાઈએ જણાવ્યું કે હવે તેઓ પહેલાં જે પાકો કરી શકતા નહોતા, તે પાકોનું પણ વાવેતર કરી શકે છે. પાકને કોઈ નુકસાન થતું નથી અને ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે.
ખેડૂતોએ જણાવ્યું કે સરકારની આ યોજના ખરેખર ખેડૂતોને મોટી રાહત આપે છે. પાકનું રક્ષણ મળવાથી ખેડૂતોને ખેતીનો વિશ્વાસ વધ્યો છે. અગાઉ જે ખેડૂતોએ રખડતા પશુઓના ત્રાસને કારણે ખેતી છોડી દેવાનો વિચાર કર્યો હતો, તે ખેડૂતો હવે ફરીથી પાકનું વાવેતર કરવા લાગ્યા છે.
આ યોજનાનો બીજો મોટો ફાયદો એ છે કે ખેડૂતો હવે મગફળી અને કપાસ સિવાય જુવાર, મકાઈ, તલ અને અન્ય ધાન્ય પાક ઉગાડી શકે છે. ખેતરોમાં પશુઓ ઘુસતા નથી એટલે પાકની ગુણવત્તા જળવાઈ રહે છે અને આવકમાં વધારો થાય છે.
ઝટકા મશીનથી ખેડૂતોને નાણાકીય રીતે પણ બચત થાય છે. પાક બગડે નહીં એટલે ખેડૂતને પાક વેચાણથી યોગ્ય આવક થાય છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સબસીડી આપીને ખેતીને સુરક્ષિત બનાવે છે.
સલડી ગામનો આ ઉદાહરણ દર્શાવે છે કે સરકારની યોજનાઓ ખેડૂતો માટે કેટલો મોટો લાભ આપી શકે છે. ખેડૂતો માટે પાકનું સંરક્ષણ જ સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે પાક જ ખેતીની આત્મા છે. ઝટકા મશીનની મદદથી પાકનું રક્ષણ તો થાય જ છે, સાથે ખેડૂતોને મનોબળ પણ મળે છે.
આ રીતે અમરેલી જિલ્લાના ખેડૂતો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આવનારા સમયમાં વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લઈ પોતાના પાકનું રક્ષણ કરવું જોઈએ, જેથી ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેતી ક્ષેત્રમાં નવી આશા જન્મે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai