પાટણ, 7 સપ્ટેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા મહાસ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, હારીજમાં 6 સપ્ટેમ્બર 2025ના રોજ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે 10:30 વાગ્યે કોલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના નેતૃત્વમાં કરવામાં આવી હતી.
આ અભિયાન યુનિવર્સિટીના NSS કોઓર્ડિનેટર કમલેશભાઈ ટક્કરના માર્ગદર્શન હેઠળ શરૂ થયું હતું, જ્યારે NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જીગ્નેશ પરમારના સંચાલનમાં અભિયાન આગળ વધારાયું હતું. કોલેજના 36 વિદ્યાર્થીઓ અને કેટલાક અધ્યાપકો પણ સક્રિય રીતે જોડાયા હતા.
વિદ્યાર્થીઓએ હારીજ તાલુકાના કુરેજા, અડિયા અને કુણઘેર ગામોની મુલાકાત લીધી હતી. તેમણે ગામજનતા સાથે સંવાદ સાધી, પ્લાસ્ટિકના ઉપયોગના નુકસાન અંગે માહિતી આપી અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો. સમગ્ર અભિયાનમાં સામાજિક જવાબદારીની ભાવનાનું ઊંડું પ્રતિબિંબ જોવા મળ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ