પાટણ, 7 સપ્ટેમ્બર (હિ.સ.)સરકારી વિનયન કોલેજ, સાંતલપુરમાં 6 સપ્ટેમ્બર 2025ના રોજ રાષ્ટ્રીય શિક્ષકદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના હાર્દિક સ્વાગત સાથે થઈ. વિદ્યાર્થીઓએ પ્રેરણાત્મક વાર્તાઓ અને અવતરણોના માધ્યમથી શિક્ષકોના યોગદાનને બિરદાવ્યું.
વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી અને વિવિધ વિષયોમાં અભ્યાસક્રમનું અધ્યાપન કરાવ્યું. જેમ કે તનિષા ઠક્કર આચાર્ય તરીકે, હિતેશ સોલંકી અંગ્રેજી, ડિમ્પલ નાઈ ગુજરાતી ભાષા સજ્જતા અને જીગર સોલંકીએ ઇતિહાસ વિષયમાં શિક્ષણ આપ્યું. આ પ્રવૃત્તિએ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને જવાબદારીની ભાવના ઉજાગર કરી.
પ્રાધ્યાપકોએ આશીર્વચન આપતાં કહ્યું કે શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ જ્ઞાન અને સંસ્કારનો પાયો છે. સપ્તધારા પ્રવૃત્તિના કન્વીનર પ્રા. સુદાભાઈ કટારાએ પણ પ્રેરક સંદેશ આપ્યો. આચાર્ય ડૉ. રાજાભાઈ આયરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમનું સમાપન પ્રમાણપત્ર વિતરણ અને આભારવિધિ સાથે થયું. કાર્યક્રમમાં નોન-ટીચિંગ સ્ટાફ અને મુલાકાતી વ્યાખ્યાતાઓનો સહયોગ નોંધપાત્ર રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ