પીયૂષભાઈ માદળીયા: ખેતીમાં નવી દિશા આપતી સરકારની સબસિડી યોજના
અમરેલી 7 સપ્ટેમ્બર (હિ.સ.): ખેડૂત સમાજ હંમેશા નવી તકનીક અને નવી યોજનાઓનો લાભ લેતો આવ્યો છે. આજના સમયમાં ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવો એક આવશ્યકતા બની ગયો છે. પરંપરાગત રીતોથી ખેતી કરતાં ઉત્પાદન તો મળે છે પરંતુ તેમાં ખર્ચ વધુ અને આવક ઓછી રહેતી હોવા
પીયૂષભાઈ માદળીયા: ખેતીમાં નવી દિશા આપતી સરકારની સબસિડી યોજના


અમરેલી 7 સપ્ટેમ્બર (હિ.સ.): ખેડૂત સમાજ હંમેશા નવી તકનીક અને નવી યોજનાઓનો લાભ લેતો આવ્યો છે. આજના સમયમાં ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવો એક આવશ્યકતા બની ગયો છે. પરંપરાગત રીતોથી ખેતી કરતાં ઉત્પાદન તો મળે છે પરંતુ તેમાં ખર્ચ વધુ અને આવક ઓછી રહેતી હોવાના કારણે ખેડૂતોને અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. આવી જ પરિસ્થિતિમાંથી પસાર થતા ભાવનગર જિલ્લાના યુવા ખેડૂત પીયૂષભાઈ માદળીયાએ સરકારની સબસિડી યોજના દ્વારા ખેતીમાં પરિવર્તન લાવ્યું છે.

પીયૂષભાઈએ જણાવ્યું કે તેમણે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ત્યારબાદ ખેતી વ્યવસાયને જીવનનું મુખ્ય ધ્યેય બનાવ્યું છે. તેમના ખેતરમાં કુલ ૯ વિઘા જમીન છે, જેમાં મુખ્યત્વે કપાસ અને મગફળી જેવા પાકનું વાવેતર કરવામાં આવે છે. આ બંને પાક સૌરાષ્ટ્રની જમીન અને વાતાવરણને અનુકૂળ હોવાથી સારું ઉત્પાદન મળે છે. તેમ છતાં, ખેતીની કેટલીક આવશ્યક પ્રક્રિયાઓમાં મજૂરી તથા સાધનોના ખર્ચાને કારણે વધારાનો ભાર અનુભવાતો હતો.

પીયૂષભાઈએ જણાવ્યું કે પહેલા પોતાના ખેતરમાં રોટાવેટર જેવી જરૂરી મશીનરી અન્ય ખેડૂત અથવા મજૂરો પાસેથી ભાડે લાવવી પડતી હતી. એક કલાક માટે આશરે ૯૦૦ રૂપિયાનો ખર્ચ આવતો હતો, જેના કારણે ખેતીના ખર્ચામાં વધારો થતો હતો. પરંતુ, એક દિવસ તેમને ગામના VCE (વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) દ્વારા સરકારની સબસિડી યોજનાની માહિતી મળી. આ યોજના મુજબ ખેડૂતોએ પોતાની ખેતી માટે આધુનિક સાધનો ખરીદી શકે અને સરકાર દ્વારા તેના પર નિશ્ચિત પ્રમાણમાં સબસિડી આપવામાં આવે છે.

પીયૂષભાઈએ તરત જ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી અને થોડા સમય બાદ તેમને સરકાર તરફથી રોટાવેટર માટે સબસિડીનો લાભ મળ્યો. આ સાધન મળ્યા પછી ખેતીમાં તેમને મોટી રાહત મળી. હવે પોતાના ખેતરમાં મશીનરીનો સીધો ઉપયોગ કરી શકે છે. જેના કારણે સમય બચ્યો, મજૂરી ખર્ચમાં ઘટાડો થયો અને ઉત્પાદન પ્રક્રિયા સરળ બની ગઈ.

ખાસ વાત એ છે કે પીયૂષભાઈએ આ રોટાવેટરનો ઉપયોગ માત્ર પોતાના ખેતર પૂરતો જ મર્યાદિત રાખ્યો નથી. હવે તેઓ પોતાના ગામ અને આજુબાજુના ખેડૂતોને પણ આ મશીનરી ભાડે આપે છે. તેના બદલામાં તેમને મજૂરી રૂપે આવક મળે છે, જે તેમના માટે સાઈડ ઇન્કમ બની ગઈ છે. પહેલાં જે ખર્ચ તેઓને કરવો પડતો હતો, આજે તે આવકમાં પરિવર્તિત થયો છે.

તેમણે જણાવ્યું કે આ એક જ સાધનના કારણે તેમની ખેતીમાં બે મહત્વપૂર્ણ બદલાવ આવ્યા છે – એક તરફ ઉત્પાદન ખર્ચ ઓછો થયો છે, તો બીજી તરફ વધારાની આવક થવા લાગી છે. આથી ખેતી વધુ નફાકારક અને વ્યવસાયિક દિશામાં આગળ વધી રહી છે.

પીયૂષભાઈ માદળીયા જેવા યુવા ખેડૂતોએ સરકારની યોજનાઓનો સમયસર લાભ લઈને પોતાની ખેતીમાં સુધારો કર્યો છે તે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોતરૂપ છે. ખેતીમાં નવીનતા અપનાવવી અને તકનીકી સાધનોનો ઉપયોગ કરવો સમયની માંગ છે. સરકારની વિવિધ યોજનાઓનું યોગ્ય માર્ગદર્શન અને ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોને વધારાની આવક તેમજ ખેતીમાં સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે.

આ રીતે, પીયૂષભાઈની સફળતા એ સાબિત કરે છે કે જો ખેડૂતોએ સરકારી યોજનાઓ વિશે યોગ્ય જાણકારી મેળવી અને તેનો લાભ લીધો, તો ખેતીમાં નવી દિશા મેળવી શકાય છે. તેમની મહેનત, જાગૃતિ અને યોગ્ય નિર્ણયક્ષમતા આજે તેમને સફળ ખેડૂત તરીકે ઓળખાવે છે.

પીયૂષભાઈની કહાની એ સંદેશ આપે છે કે “માત્ર જમીન જ નહીં, પરંતુ સમયસર મળતી માહિતી અને તકનો સદુપયોગ કરવાથી પણ ખેડૂતની કિસ્મત બદલી શકે છે.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande