પાટણ, 7 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં રવિવારની વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાંતલપુર તાલુકામાં 31 મિમી નોંધાયો હતો. રાધનપુરમાં 15 મિમી, સિદ્ધપુરમાં 9 મિમી, હારીજ અને સરસ્વતીમાં 4 મિમી, જ્યારે પાટણ, ચાણસ્મા અને શંખેશ્વરમાં 3-3 મિમી વરસાદ પડ્યો હતો.
બપોર સુધી જિલ્લામાં છૂટાછવાયે વરસાદી ઝાપટાંનો દોર ચાલુ રહ્યો. વરસાદી વાતાવરણને કારણે ઠંડકભર્યું માહોલ સર્જાયો હતો, જેમાં ખેતી પર પોઝિટિવ અસરની શક્યતાઓ ઉભી થઈ છે. લોકોમાં વરસાદને લઈ આનંદ જોવા મળ્યો હતો, જોકે કેટલીક જગ્યાએ વરસાદના કારણે સમસ્યાઓ પણ ઉભી થઈ.
રાધનપુર શહેરમાં ગઈકાલના ભારે વરસાદ બાદ મસાલી રોડ પર તથા ધારાસભ્યના નિવાસસ્થાન નજીક પાણી ભરાઈ ગયા હતા. પરિણામે 20થી વધુ સોસાયટીઓના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પાણી ભરાવાની સ્થિતિએ નગરપાલિકાની પ્રી-મોનસૂન કામગીરીના દાવાઓની હકીકત બહાર આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ