અમરેલી, 8 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ખેડૂતો રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. 2024 ની અતિવૃષ્ટિથી થયેલા ભારે નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજમાં થયેલી વિસંગતતા મુદ્દે ખેડૂતો ભારે રોષિત બન્યા. રેલી દરમિયાન ખેડૂતો “જય જવાન જય કિસાન”, “ખેડૂતોને સહાય આપો, ખેડૂતોને ન્યાય આપો” જેવા નારા સાથે સુત્રોચાર કરતા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું.
ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય પેકેજમાં માત્ર કપાસ પાકના નુકસાનને જ આવરી લેવામાં આવ્યો છે, જ્યારે મગફળી, તલ, દાળ સહિતના અન્ય પાકોની અવગણના કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે અતિવૃષ્ટિથી તમામ પાકોને નુકસાન થયું છે, તેમ છતાં સરકાર દ્વારા માત્ર કપાસ પાકને જ પેકેજમાં સામેલ કરવું ખેડૂતો સાથે અન્યાય સમાન છે.
આંદોલનમાં કોંગ્રેસ પક્ષ પણ ખેડૂતોની સાથે ઊભો રહ્યો છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેશ દેવાણીએ જણાવ્યું કે, “સરકારે તાત્કાલિક તમામ પાકોને સહાય પેકેજમાં સામેલ કરી ખેડૂતોને ન્યાય આપવો જોઈએ. જો આગામી 15 દિવસમાં યોગ્ય સુધારા નહીં થાય તો કોંગ્રેસ ખેડૂતોના હિત માટે તીવ્ર આંદોલન કરશે.” ખેડૂતોના પ્રતિનિધિઓએ આવેદનપત્ર દ્વારા સ્પષ્ટ માગણી કરી છે કે સહાય પેકેજ તમામ પાકોને આવરી લે, જેથી અતિવૃષ્ટિથી પીડિત ખેડૂતોને ન્યાય મળી શકે. હાલના આંદોલનથી ખેડૂતોમાં વ્યાપક અસંતોષ ઝળકી રહ્યો છે અને જો સમયસર નિર્ણય નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની સંભાવના છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai