અમરેલી , 8 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલીમાં ત્રણ એસટી કર્મચારીઓ દ્વારા શરૂ કરાયેલ ઉપવાસ આંદોલન હાલ તીવ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ઉપરી અધિકારીઓના ત્રાસથી પીડાતા ત્રણેય કર્મચારીઓ છેલ્લા છ દિવસથી કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેઠા છે. છઠ્ઠા દિવસે કર્મચારીઓએ અન્નજળનો ત્યાગ કરતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી આપી કે જો ન્યાય નહીં મળે તો આત્મવિલોપનનો માર્ગ અપનાવાશે.
આંદોલનની જાણ થતાં અમરેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ઉપવાસી કર્મચારીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસ ગાડીમાં બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવેલા કર્મચારીઓએ સારવાર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, પોલીસે તેમને નજર કેદ હેઠળ રાખ્યા. આંદોલનકારીઓએ ચીમકી આપી કે તેઓ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન કે જેલમાં ક્યાંય પણ અન્નજળનો ત્યાગ ચાલુ રાખશે.
આંદોલન અંગે સામાજિક કાર્યકર્તા નરેશ વાળાએ જણાવ્યું કે, “એસટી કર્મચારીઓ લાંબા સમયથી ઉપરી અધિકારીઓના ત્રાસનો ભોગ બની રહ્યા છે. તેઓના પ્રશ્નો ઉકેલવાના બદલે દબાણ કરાયું છે, જેના કારણે કર્મચારીઓ આંદોલન કરવા મજબૂર બન્યા છે. સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી સમસ્યાનું સમાધાન લાવે, નહિ તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે.”
હાલમાં પોલીસે અને હોસ્પિટલ તંત્રે કર્મચારીઓની તબિયત પર નજર રાખી છે, પરંતુ તેમના અડગ વલણને કારણે આંદોલન તીવ્ર બનતું જાય છે. કર્મચારીઓના આંદોલનને સ્થાનિક સમાજના કેટલાક લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે. જો તાત્કાલિક ઉકેલ ન આવે તો આંદોલન રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કરવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai