સુરત, 8 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરત શહેરમાં નવરાત્રીના ઢોલ-ઢબૂકારા શરૂ થઈ ગયા છે. રવિવારે રામકથા રોડ પાસે આવેલા એપ્રિકોટ એસી ડોમમાં પ્રિ-નવરાત્રીનું આયોજન થયું હતું. પરંતુ કાર્યક્રમ દરમિયાન અચાનક મારામારી થતાં ખેલૈયાઓમાં ગભરાટ ફેલાયો હતો.
માહિતી મુજબ, એક યુવકને બાઉન્સરોએ ડોમમાં પ્રવેશતા અટકાવ્યો હતો. આ મુદ્દે બાઉન્સર્સ અને યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદ મામલો વણસતા ધક્કામુક્કી અને મારામારી સુધી પહોંચી ગયો હતો. અચાનક થયેલી આ ઘટનાથી હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને ઘણા લોકો સ્થળ છોડીને નીકળી ગયા હતા. પરિવાર સાથે આવેલા લોકો ખાસ કરીને સુરક્ષા અંગે ચિંતિત જોવા મળ્યા હતા.
સૂચના મળતા જ સિંગણપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને પક્ષોને સમજાવી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. જોકે, ઘટનાને પગલે પ્રિન્સ ગ્રુપના મુખ્ય કાર્યકરો અને ટીમ મેમ્બરો સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા, જેના કારણે પોલીસને પરિસ્થિતિ સંભાળવામાં મુશ્કેલી પડી હતી.
ઘટના અંગે આયોજકો તરફથી હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે