વલસાડ, 8 સપ્ટેમ્બર (હિ.સ.)- ભારતના પ્રાચીનથી અર્વાચીન વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના ગૌરવથી માહિતગાર કરતી ભારતની સૌથી મોટી સાયન્સ ટેલેન્ટ સર્ચ પરીક્ષા વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM)2025- 26 નું આયોજન વિજ્ઞાન ભારતી (VIBHA), એન.સી.ઇ.આર.ટી. (NCERT) અને નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ (NCSM), સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષાનું વિધિવત ઉદ્ઘાટન તા. 17 જુલાઈ, 2025ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં આઈ.એન.એસ.એ. (INSA), નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના કોઓર્ડીનેટર મનસુખ નારિયા તથા વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના જિલ્લા કો-ઓર્ડીનેટર-વ- જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્યું કે, ધોરણ 6 થી 11માં ભણતા કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. પરીક્ષાની મુખ્ય વિગતો જોઈએ તો, નોંધણી ફી રૂ. 200 રહેશે. નોંધણીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2025 છે અને નોંધણી www.vvm.org.in પર કરી શકાશે. પરીક્ષા તા. 28 ઑક્ટોબર થી 2 નવેમ્બર, 2025 દરમિયાન ઑનલાઇન લેવાશે તથા પરિણામ તા. 7 નવેમ્બર, 2025એ જાહેર કરવામાં આવશે. પરીક્ષા 90 મિનિટની હશે જેમાં કુલ 100 ગુણના એક જ પેપર પર આધારિત ઓબ્જેક્ટીવ પ્રકારના પ્રશ્નો આવશે. આ પ્રશ્નો NCERT પાઠ્યપુસ્તક, વિજ્ઞાન ચિંતન, વિજ્ઞાનમાં ભારતનું યોગદાન, બોસોન્સના જનક ડો. સત્યેન્દ્રનાથ બોઝ અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોને આવરી લેશે.
આ પરીક્ષામાં ઇનામો અને વિવિધ તક પણ વિજેતાઓને મળશે. વિજેતા વિદ્યાર્થીઓને રૂ. 2000 થી રૂ.25,000સુધીની રોકડ રકમ મળશે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે વિજેતા વિદ્યાર્થીને દર મહિને રૂ. 2000 ભાસ્કર સ્કોલરશીપ આપવામાં આવશે. સાથે જ ISRO, DRDO, CSIR, BARC જેવી અગ્રણી રાષ્ટ્રીય સંસ્થાઓમાં ત્રણ અઠવાડિયા સુધી ઇન્ટરશીપ તાલીમની અનોખી તક મળશે. વિદ્યાર્થીઓને અપીલ છે કે, તેઓ વધુમાં વધુ સંખ્યામાં આ રાષ્ટ્રીય સ્તરની વિજ્ઞાન પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનું વૈજ્ઞાનિક જ્ઞાન વિકસાવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે