ભુવનેશ્વર, નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર (હિ.સ.) બીજુ જનતા દળ (બીજેડી) એ, સોમવારે જાહેરાત કરી હતી કે, તે 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનથી દૂર રહેશે. આ નિર્ણયની પુષ્ટિ બીજેડી રાજ્યસભાના સાંસદ સસ્મિત પાત્રાએ કરી હતી.
પાત્રાએ દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, બીજેડીએ આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. અમારી પાર્ટી એનડીએ અને ઈન્ડિ એલાયન્સ બંનેથી સમાન અંતર જાળવી રહી છે. અમે ઓડિશા અને તેના 4.5 કરોડ લોકોના વિકાસ અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
ઉલ્લેખનીય છે કે, નવીન પટનાયકની આગેવાની હેઠળની બીજેડી હાલમાં ઓડિશામાં મુખ્ય વિપક્ષી પાર્ટી છે. રાજ્યસભામાં તેના સાત સાંસદ છે, જ્યારે લોકસભામાં તેનું કોઈ પ્રતિનિધિત્વ નથી.
હિન્દુસ્થાન સમાચાર / સુનિતા મહંત / સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ