
અમરેલી,, 01 જાન્યુઆરી (હિ.સ.)
અમરેલી જિલ્લાના બાબાપુર ગામ ખાતે અંદાજિત રૂ. ૩૦ લાખના ખર્ચે નિર્મિત આધુનિક પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી કૌશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા. નવા આરોગ્ય કેન્દ્રના શરૂ થવાથી બાબાપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને હવે પોતાના ગામમાં જ મૂળભૂત તેમજ સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે.
મંત્રી કૌશિક વેકારીયાએ જણાવ્યું કે રાજ્ય સરકારનું ધ્યેય ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનું છે. આ પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા માતા-બાળ આરોગ્ય સેવાઓ, નિયમિત આરોગ્ય તપાસ, રસીકરણ, પ્રાથમિક સારવાર તથા તાત્કાલિક માર્ગદર્શન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રામજનોને હવે નાની-મોટી સારવાર માટે દૂર શહેર સુધી જવું નહીં પડે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે.
આ કેન્દ્ર આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા નિયમિત સેવાઓ આપવામાં આવશે. લોકાર્પણ પ્રસંગે સ્થાનિક આગેવાનો, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સરકારના આ આરોગ્યલક્ષી પગલાંને આવકાર આપ્યો હતો અને ગ્રામ્ય આરોગ્ય સેવાઓ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai