ગાંધીનગરમાં આજે ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’નો, થશે ભવ્ય પ્રારંભ
- ''કબીર કાફે'' અને ‘ધ જોગી એક્સપિરિયન્સ’ મચાવશે ધૂમ, બાળકો માટે ખાસ ‘કિડ્સ ઝોન’નું આકર્ષણ ગાંધીનગર, 01 જાન્યુઆરી (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત ત્રિ-દિવસીય ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવનો આવતીકા
ગાંધીનગર ખાતે કાર્યક્રમ


- 'કબીર કાફે' અને ‘ધ જોગી એક્સપિરિયન્સ’ મચાવશે ધૂમ, બાળકો માટે ખાસ ‘કિડ્સ ઝોન’નું આકર્ષણ

ગાંધીનગર, 01 જાન્યુઆરી (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત ત્રિ-દિવસીય ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવનો આવતીકાલે, તારીખ ૧લી જાન્યુઆરીથી સેક્ટર ૧૧ સ્થિત ભાગવત કથા મેદાન (L.I.C. પાસે) ખાતે ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે.

આ મહોત્સવનો શુભારંભ આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલના વરદહસ્તે કરવામાં આવશે. મહોત્સવને લઈને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને નગરજનોમાં પણ આ કાર્યક્રમને લઈને અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.

આ સાંસ્કૃતિક મહોત્સવમાં સંગીત, મસ્તી અને મનોરંજનનો ત્રિવેણી સંગમ રચાશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, આવતીકાલે પ્રથમ દિવસે ઉદ્ઘાટન બાદ ગાંધીનગરના જાણીતા ‘રામસખા મંડળ’ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, ત્યારબાદ પ્રખ્યાત સૂફી બેન્ડ ‘ધ જોગી એક્સપિરિયન્સ’ (The Jogi Experience) પોતાના આગવા અંદાજમાં સૂફી સંગીતની પ્રસ્તુતિ કરીને વાતાવરણને ભક્તિમય અને સૂરીલું બનાવશે.

મહોત્સવના બીજા દિવસે ગુજરાતના લોકપ્રિય લોકગાયક કુશલ ગઢવી સાહિત્ય અને સંગીતની રમઝટ બોલાવશે. જ્યારે ત્રીજા અને અંતિમ દિવસે દેશભરમાં યુવાનોમાં અત્યંત લોકપ્રિય એવું ‘કબીર કાફે’ (Neeraj Arya's Kabir Cafe) પોતાના યુનિક ફ્યુઝન મ્યુઝિકથી ગાંધીનગરવાસીઓને ડોલાવશે.

નાગરિકો માટે આનંદના સમાચાર એ છે કે, આ ભવ્ય મહોત્સવમાં પ્રવેશ નિઃશુલ્ક (Entry Free) રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, બાળકો માટે તૈયાર કરવામાં આવેલા વિશેષ ‘કિડ્સ ઝોન’ માં જાયન્ટ સાપસીડી, ટ્રેમ્પોલિન અને બલૂન હાઉસ જેવી રાઈડ્સ અને આકર્ષણોનો લાભ પણ બાળકો વિનામૂલ્યે લઈ શકશે. મનોરંજનની સાથે સ્વાદ રસિયાઓ માટે સ્થળ પર વિવિધ વાનગીઓના ફૂડ સ્ટોલ્સ પણ ઉપલબ્ધ રહેશે.

ગાંધીનગરના નાગરિકો પરિવાર અને બાળકો સાથે મન મૂકીને આ મહોત્સવનો આનંદ માણી શકે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા, ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને તમામ નગરજનોને આ ઉત્સવમાં જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande