
પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના મેળોજ ગામે દૂધ ડેરી પાસે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રસ્તા વચ્ચે વાહન ઊભું રાખવા બાબતે થયેલા ઝઘડામાં બે શખ્સોએ એક યુવક અને અન્ય સાહેદો પર લાકડી વડે હુમલો કર્યો હતો.
પોલીસ મુજબ, આરોપીઓ રસ્તા વચ્ચે વાહન ઊભું રાખી વાતો કરી રહ્યા હતા. તે સમયે પસાર થઈ રહેલા એક સાહેદે હોર્ન વગાડી વાહન સાઈડમાં લેવા જણાવ્યું હતું, જેને કારણે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ગાળાગાળી શરૂ કરી હતી.
ઝઘડામાં વચ્ચે પડતા ફરિયાદી પર આરોપી નંબર-01એ લાકડીથી ડાબા પગે ફટકો મારી ઈજા પહોંચાડી અને ખિસ્સામાંથી ₹1,000 લૂંટી લીધા હતા. ત્યારબાદ આરોપી નંબર-02એ અન્ય સાહેદના માથા અને બરડાના ભાગે લાકડીના ફટકા માર્યા હતા.
આ ઉપરાંત, અન્ય એક સાહેદને હાથમાં ઈજા પહોંચાડવામાં આવી અને તેના ખિસ્સામાંથી ₹1,500ની લૂંટ કરવામાં આવી હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ