


રાજપીપલા, 12 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટના સહયોગથી ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમો સતત યોજાઈ રહી છે. આ તાલીમોનો મુખ્ય હેતુ ખેડૂતોને રસાયણમુક્ત ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપી, ખેતી ખર્ચ ઘટાડીને આવક વધારવા તરફ પ્રોત્સાહિત કરવાનો છે.
આ કાર્યક્રમ અંતર્ગત સાગબારા તાલુકાની પાટ ગ્રામ પંચાયત ખાતે રતિલાલભાઈના ખેતરે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં CRP આનંદભાઈ વસાવા તથા કૃષિ સખી લતાબેન વસાવા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગરુડેશ્વર તાલુકાના ઓરપા ગામે મુળજીભાઈના નિવાસસ્થાને તાલીમ યોજાઈ હતી, જેમાં CRP સંદીપકુમાર તથા કૃષિ સખી ઊર્મિલાબેન તડવી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. એ જ તાલુકાના ટીમરવા ગામે અમૃતભાઈના ઘરે યોજાયેલી તાલીમમાં CRP તડવી શૈલેષભાઈ અને કૃષિ સખી તડવી રીટાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તિલકવાડા તાલુકાના વ્યાધર ગામે ધર્મેન્દ્રભાઈના ઘરે પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં CRP તડવી ભાવેશભાઈ તથા કૃષિ સખી તડવી હસુમતીબેન દ્વારા ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત, દેશી બીજનો ઉપયોગ, માટી આરોગ્ય અને કુદરતી સંસાધનોના સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત દેડીયાપાડા તાલુકાની સુકવાલ ગ્રામ પંચાયતના મોરજડી ગામે ફુલસિંગ દમણિયા વસાવાના ઘરે ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ હતી.
આ તાલીમમાં CRP સોમભાઈ તડવી તથા કૃષિ સખી જમનાબેન વસાવા દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમોમાં ભાગ લેનારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ દ્વારા જમીનની ઉપજક્ષમતા વધારવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને પર્યાવરણનું સંરક્ષણ કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ખેડૂતો દ્વારા તાલીમને આવકાર મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ