
જામનગર, 12 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં ખાખીનો ખૌફ જ રહ્યો ન હોય તેમ, ગુનાઓ વધી રહ્યા છે. વર્ષ 2025 દરમિયાન જામનગરમાં કુલ 19,401 ગુનાઓ નોંધાતા કાયદો-વ્યવસ્થા ઉપર સવાલો ઉભા થયા છે. નોંધાયેલા ગુનાઓમાં હત્યા, બળાત્કાર, લૂંટ, ધાડ, ચોરી, ઠગાઈથી લઈને દારૂબંધી, જુગાર, એનડીપીએસ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. તો 2025નું વર્ષ જામનગર માટે ચિંતાજનક રહ્યું છે. સરેરાશ દૈનિક 53 ગુનાઓ નોંધાયા છે.
જામનગરમાં નોંધાયેલા ગુનાઓના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2025માં હત્યાના 21, હત્યાની કોશિષના 17, બળાત્કારના 66, મનુષ્યહરણના 22, વિશ્વાસઘાતના 37 અને ઠગાઈના 62 કેસ નોંધાયા છે. લૂંટના 14, ધાડના 3, ઘરફોડ ચોરીના 198, વાહન ચોરીના 111, મોબાઈલ ચોરીના 32, ચેઈન સ્નેચીંગના 5 તથા અન્ય ચોરીના 50 કેસ નોંધાતા મિલકત સંબંધિત ગુનાઓમાં પણ વધારો જોવા મળ્યો છે.
આ ઉપરાંત મારામારીના 426 અને હંગામાના 6 કેસો નોંધાયા છે. પાર્ટ-1થી પાર્ટ-6 સુધીના કુલ 5,382 ગુનાઓ નોંધાયા હતા, જેમાંથી પોલીસે 5,295 ગુનાઓનો ભેદ ઉકેલ્યો હોવાનો દાવો કર્યો છે. જોકે, ગુનાઓની સંખ્યા જોતા પોલીસની કામગીરી પૂરતી છે કે કેમ તે અંગે નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે.
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસે દારૂબંધી, જુગાર અને અન્ય પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સામે પણ કાર્યવાહી કરી છે. દારૂબંધીના 11,070, જુગારના 870, હથિયાર ધારાના 11, જીપીએક્ટ-135ના 1001, એનડીપીએસના 8 તેમજ પરચુરણ સહિત કુલ 14,019 ગુનાઓ નોંધ્યા છે.
આમ કુલ મળીને વર્ષ 2025માં જામનગરમાં 19,401 ગુનાઓ નોંધાયા છે. જે શહેરની સલામતી અને પોલીસના પ્રભાવ અંગે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. હવે લોકોની અપેક્ષા છે કે પોલીસ તંત્ર માત્ર આંકડાઓ નહીં પરંતુ ગુનાખોરી પર વાસ્તવિક અંકુશ લાવે તે જરૂરી છે.
જામનગર શહેર-જિલ્લામાં યુ.પી., બિહાર, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી આવેલા શ્રમિકો જામનગરમાં મોટી સંખ્યામાં છે. જેમાં ઉદ્યોગિક ઉપરાંત ખેતીકામ માટે આવનાર શ્રમિકોની સંખ્યા પણ વધુ છે. જેમાં ચોરી, લૂંટ, હત્યા, અપહરણ જેવા ગુનાઓમાં વધુ સંડોવાયેલા છે.
જામનગરમાં વર્ષ 2024માં ગંભીર ગુનાઓ 4887 ગુનાઓ અનેદારૂ-જુગાર જેવા 12751 મળીને કુલ 17,640 ગુનાઓ નોંધાયા હતા. જેમાં દારૂબંધીના 10443 ગુનાઓ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2025માં ગંભીર ગુનાઓ 5382 અને દારૂ-જુગાર સહિતના 14019 મળીને કુલ 19401 ગુનાઓ નોંધાયા છે. ચાલુ વર્ષે દારૂબંધીના 11070 ગુનાઓ નોંધ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt