
અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લાના લાઠી ના દામાનગર રોડ આવેક અનેક વાડીમાં મીઠું પાણી ન હોવાથી ચણાના પાકમાં ઉત્પાદન મળતું નથી.
ખાસ કરીને દામનગર રોડ વિસ્તારની ખેતીલાયક જમીનમાં પાણી મીઠું અને ગુણવત્તાયુક્ત ન હોવાને કારણે પરંપરાગત રીતે લેવાતો ચણાનો પાક હવે નુકસાનકારક સાબિત થવા લાગ્યો છે. પરિણામે ખેડૂતો હવે પાક પરિવર્તન તરફ વળ્યા છે અને ચણાના બદલે ધાણાની ખેતી શરૂ કરી છે, જે તેમને આર્થિક રીતે વધુ ફાયદાકારક બની રહી છે.
લાઠી શહેરના દામનગર રોડ ઉપર રહેતા ખેડૂત લાલજીભાઈ બેચરભાઈ ધોળીયા જણાવે છે કે તેમની પાસે કુલ 60 વીઘા જમીન છે. તેઓએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને ખેતીને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવાની તેમની વિચારસરણી છે. અગાઉ તેઓ ચણાનો પાક લેતા હતા, પરંતુ પિયતનું પાણી મોડું મળતું હોવાથી ચણામાં ક્ષાર બંધાતો નહોતો, ફ્લાવરિંગ સારું આવતું નહોતું અને અંતે ઉત્પાદન ઘટતું જતું હતું. પાણીની આ સમસ્યાએ ચણાની ખેતીને જોખમી બનાવી દીધી હતી.
આ પરિસ્થિતિમાં લાલજીભાઈ સહિત અનેક ખેડૂતોએ વિકલ્પ તરીકે ધાણાની ખેતી અપનાવવાનો નિર્ણય કર્યો. ધાણા ઓછા પાણીમાં પણ સારી રીતે વિકસે છે અને જમીનની મીઠાશને પણ સહન કરી શકે છે. ખાસ કરીને દામનગર રોડ વિસ્તારની જમીનમાં ધાણાનો પાક અનુકૂળ સાબિત થયો છે. પરિણામે હવે આ વિસ્તારમાં ધાણાની ખેતીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે.
લાલજીભાઈ જણાવે છે કે એક વીઘામાં સરેરાશ 10 મણ જેટલું ધાણાનું ઉત્પાદન મળે છે. હાલ માર્કેટ યાર્ડમાં ધાણાનો ભાવ 1800થી 2200 રૂપિયા પ્રતિ મણ સુધી મળી રહ્યો છે. આ રીતે એક વીઘામાં અંદાજિત 20થી 22 હજાર રૂપિયાનું ઉત્પાદન મળે છે. સૌથી મહત્વની બાબત એ છે કે ધાણાની ખેતીમાં ખર્ચ પણ નિયંત્રિત રહે છે. એક વીઘાનો ખર્ચ અંદાજિત 8 હજાર રૂપિયા જેટલો થાય છે, જેથી નફાનો માજિન સારો રહે છે.
જો કુલ ગણતરી કરીએ તો 60 વીઘા જમીનમાં ધાણાની ખેતીથી એક સિઝનમાં અંદાજિત 14 લાખ રૂપિયાનું ઉત્પાદન મળે છે, જ્યારે કુલ ખર્ચ લગભગ 5 લાખ રૂપિયાની આસપાસ થાય છે. આ રીતે શુદ્ધ નફો ખેડૂતો માટે ઉત્સાહજનક છે. પાણીની અનિશ્ચિતતા વચ્ચે પણ આવકનું સ્થિર સાધન મળતું હોવાથી ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.
લાઠી તાલુકાના અન્ય ખેડૂતોએ પણ હવે આ મોડેલ અપનાવવાનું શરૂ કર્યું છે. જે ખેડૂતોએ અગાઉ ચણાની ખેતીમાં નુકસાન ભોગવ્યું હતું, તેઓ ધાણાની ખેતી તરફ વળતા જોવા મળે છે. ખેતીમાં પાક પરિવર્તન માત્ર તાત્કાલિક ઉકેલ નથી, પરંતુ બદલાતા હવામાન અને પાણી સંકટ સામે અનુકૂળ થવાની સમજદાર રીત છે.
આ રીતે અમરેલી જિલ્લાના લાઠી વિસ્તારના ખેડૂતો પાણીની સમસ્યાને પડકાર નહીં પરંતુ તક તરીકે જોઈ રહ્યા છે. યોગ્ય પાક પસંદગી, બજારની સમજ અને ખર્ચ નિયંત્રણ દ્વારા તેઓ ધાણાની ખેતીમાંથી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે, જે અન્ય વિસ્તારોના ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai