
મહેસાણા,12 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કલેક્ટરે આજ રોજ સવાલા ગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની વિસ્તૃત ચકાસણી કરી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવતી તબીબી સેવાઓ, દવાઓનો જથ્થો, સાધનસામગ્રી, સ્વચ્છતા તેમજ દર્દીઓ માટેની સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી.
કલેક્ટરે ઓપીડી સેવાઓ, રસીકરણ કાર્યક્રમો, માતા અને બાળ આરોગ્ય સેવાઓ, નિયમિત આરોગ્ય તપાસ તથા ઇમરજન્સી વ્યવસ્થાની માહિતી મેળવી. દવાઓનો પૂરતો જથ્થો રાખવો, દર્દીઓને સમયસર સારવાર મળે તે સુનિશ્ચિત કરવું અને આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા જાળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો.
આ દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબી અધિકારી, નર્સિંગ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરીને આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી. કલેક્ટરે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી તેની કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.
મુલાકાત દરમિયાન સંબંધિત આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતે કલેક્ટરે ભવિષ્યમાં પણ સમયાંતરે આવી તપાસો દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવાની ખાતરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR