સાવરકુંડલાને જીઆઇડીસી મંજૂર, વેપારીઓમાં ખુશીની લહેર
અમરેલી,12 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લામાં વિકાસને વેગ આપતી મોટી જાહેરાત સામે આવી છે. સાવરકુંડલા ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ની મંજૂરી મળતા સમગ્ર વિસ્તારના વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ખુશહાલી છવાઈ ગઈ છે. લાંબા સમયથી ચાલતી મ
સાવરકુંડલાને જીઆઇડીસી મંજૂર, વેપારીઓમાં ખુશીની લહેર


અમરેલી,12 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લામાં વિકાસને વેગ આપતી મોટી જાહેરાત સામે આવી છે. સાવરકુંડલા ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ની મંજૂરી મળતા સમગ્ર વિસ્તારના વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ખુશહાલી છવાઈ ગઈ છે. લાંબા સમયથી ચાલતી માંગ પૂર્ણ થતાં આ નિર્ણયને ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યો છે.

સાવરકુંડલામાં જીઆઇડીસી મંજૂર થતાં રોજગાર, ઉદ્યોગ અને આર્થિક વિકાસની નવી તકો સર્જાશે તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી છે. આ ખુશીના પ્રસંગે સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે વેપારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઢોલીઓના તાલે નૃત્ય, ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, અગ્રણી વેપારી સંદીપ ભટ્ટ તથા કાંટા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારી કેતન ત્રિવેદી સહિતના વેપારીઓ હાજર રહ્યા હતા. તમામે એકસ્વરે જણાવ્યું હતું કે જીઆઇડીસી મંજૂરીથી સાવરકુંડલા હવે ઉદ્યોગનું કેન્દ્ર બનશે અને યુવાનોને સ્થાનિક સ્તરે રોજગાર મળશે.

વેપારીઓએ આ વિકાસ માટે માનનીય નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ નેતાઓનો આભાર માન્યો હતો. આ નિર્ણયને અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande