
નવી દિલ્હી, 12 જાન્યુઆરી (હિ.સ.): દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (એમએસઆઈએલ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે, ગુજરાતમાં જમીન સંપાદન અને તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ₹4,960 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
મારુતિ સુઝુકી ઇન્ડિયાએ સોમવારે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે, ડિરેક્ટર્સ બોર્ડે આજે યોજાયેલી તેની બેઠકમાં ખોરાજ ઔદ્યોગિક વસાહતમાં ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ પાસેથી જમીન સંપાદનને મંજૂરી આપી હતી, જેમાં પ્રસ્તાવિત ક્ષમતા વધારો 10 લાખ યુનિટ સુધીનો રહેશે.
કંપનીએ જણાવ્યું હતું કે, ડિરેક્ટર્સ બોર્ડ દ્વારા મંજૂર કરાયેલ જમીન સંપાદન, વિકાસ અને પ્રારંભિક પ્રવૃત્તિઓનો ખર્ચ ₹4,960 કરોડ છે. કુલ રોકાણ અંગે, મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, ક્ષમતા સ્થાપનાના તબક્કાઓ નક્કી કરતી વખતે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને ડિરેક્ટર્સ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, ભંડોળ આંતરિક સંસાધનો અને બાહ્ય ઉધારમાંથી હશે.
એમએસઆઈએલ એ જણાવ્યું હતું કે, ગુરુગ્રામ, માનેસર, ખારખોડા (બધા હરિયાણામાં) અને હાંસલપુર (ગુજરાત) ખાતે તેની વર્તમાન ઉત્પાદન ક્ષમતા વાર્ષિક આશરે 24 લાખ યુનિટ છે, જ્યારે કુલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 26 લાખ યુનિટ છે. આમાં સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના ઉત્પાદન એકમોનો સમાવેશ થાય છે, જે કંપનીમાં મર્જ કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, હાલની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન તોશીહિરો સુઝુકીએ 2024 માં જાહેરાત કરી હતી કે કંપનીના ભારતીય એકમ, મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઈ), ગુજરાતમાં તેનું બીજું ઉત્પાદન એકમ સ્થાપવા માટે ₹35,000 કરોડનું રોકાણ કરશે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10 લાખ યુનિટ હશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ