
મહેસાણા,12 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કલેક્ટરે આજ રોજ હસનપુર ગામ ની મુલાકાત લઈ ગામના વહીવટી અને વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન ગામ રેકર્ડની વિગતવાર ચકાસણી કરવામાં આવી તેમજ સામાન્ય દફ્તર તપાસણી ફોર્મ ભરીને વહીવટી કામગીરીની યોગ્યતા નિરીક્ષણમાં લેવામાં આવી.
કલેક્ટરે ગ્રામ પંચાયત કચેરીમાં હાજર રહેલા રેકર્ડ, નોંધપોથીઓ અને દસ્તાવેજોની તપાસ કરી હતી. ત્યારબાદ ગ્રામજનો સાથે ખુલ્લો સંવાદ યોજીને આરોગ્ય સેવાઓ, શિક્ષણની સ્થિતિ, પોષણ યોજનાઓ, મધ્યાહન ભોજન યોજના, જાહેર પુરવઠા વ્યવસ્થા તથા મહેસુલી બાબતો અંગે માહિતી મેળવી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી.
આ ઉપરાંત ગામમાં ચાલતા તથા પ્રસ્તાવિત વિવિધ વિકાસના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી. રસ્તા, પાણી પુરવઠો, સ્વચ્છતા, લાઇટિંગ તથા અન્ય મૂળભૂત સુવિધાઓની હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરી, સમયસર અને ગુણવત્તાયુક્ત કામ પૂર્ણ થાય તે માટે ભાર મૂકાયો.
કલેક્ટરે જણાવ્યું હતું કે સરકારની યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી પહોંચે તે માટે ગ્રામ્ય સ્તરે પારદર્શક અને અસરકારક વહીવટ જરૂરી છે. આવી મુલાકાતો દ્વારા ગામની વાસ્તવિક સ્થિતિ જાણી વિકાસને વધુ ગતિ આપવા પ્રયાસ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR