પીપળવાના નિકુંજ પ્રતાપભાઈની સફળતાની પ્રેરક કહાણી, પ્રાકૃતિક ખેડૂત આજે બન્યા માર્ગદર્શક
અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) : 2019નો સમય હતો, ત્યારે પ્રાકૃતિક ખેતીને લઈને ગામડાંમાં બહુ ઓછા લોકો ગંભીર હતા. રાસાયણિક ખાતર અને દવાઓ વગર ખેતી શક્ય છે કે કેમ, તે અંગે અનેક શંકાઓ હતી. જે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, તેમને ઘણી વખત લોકો હસતાં અને પ્ર
2019માં હસાયેલા પ્રાકૃતિક ખેડૂત આજે બન્યા માર્ગદર્શક, પીપળવાના નિકુંજ પ્રતાપભાઈની સફળતાની પ્રેરક કહાણી


અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) : 2019નો સમય હતો, ત્યારે પ્રાકૃતિક ખેતીને લઈને ગામડાંમાં બહુ ઓછા લોકો ગંભીર હતા. રાસાયણિક ખાતર અને દવાઓ વગર ખેતી શક્ય છે કે કેમ, તે અંગે અનેક શંકાઓ હતી. જે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, તેમને ઘણી વખત લોકો હસતાં અને પ્રશ્નો પૂછતાં. પરંતુ સમય બદલાયો છે. આજે એજ લોકો, જે પહેલા હસતાં હતા, હવે પ્રાકૃતિક ખેતીના ખેતરોની મુલાકાત લેવા અને માર્ગદર્શન મેળવવા આવે છે. આવી જ એક પ્રેરણાદાયી સફળતાની કહાણી છે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પીપળવા ગામના નિકુંજ પ્રતાપભાઈની.

નિકુંજ પ્રતાપભાઈ પાસે કુલ પોણા 14 વીઘા જમીન છે. શરૂઆતમાં તેઓ પણ પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ ખેતી ખર્ચ વધતો જતો હતો, જમીનની ઉપજશક્તિ ઘટતી હતી અને નફો અનિશ્ચિત બનતો હતો. આ પરિસ્થિતિમાં તેમણે 2019માં હિંમતભેર પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં પરિવાર અને ગામના કેટલાક લોકો સંશયમાં હતા, પરંતુ તેમણે ધીરજ રાખી અને સતત પ્રયાસો ચાલુ રાખ્યા.

આજે નિકુંજભાઈ તેમની કુલ જમીનમાંથી 7 વીઘામાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. કોઈ રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓ વગર, દેશી પદ્ધતિઓ, જીવામૃત, ઘનજીવામૃત અને કુદરતી ઉપચારો દ્વારા ખેતી કરવામાં આવે છે. પરિણામે જમીનની તંદુરસ્તી સુધરી, પાણીનો ઉપયોગ ઘટ્યો અને પાકની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થયો.

પ્રાકૃતિક ખેતી દ્વારા તેઓ દર સિઝનમાં અંદાજિત 3 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવે છે. મહત્વની વાત એ છે કે ખેતી ખર્ચ ખૂબ ઓછો હોવાથી શુદ્ધ નફો પણ સંતોષકારક છે. નિકુંજભાઈએ હવે એક મોડેલ ફાર્મ પણ તૈયાર કર્યું છે, જે આસપાસના ખેડૂતો માટે શીખવાનો કેન્દ્ર બની ગયું છે.

આ મોડેલ ફાર્મમાં 3થી 4 ફૂટ લાંબી સરઘવાની સિંગો (મોરિંગા) વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. સ્વસ્થ જમીન અને પ્રાકૃતિક પદ્ધતિઓના કારણે સરઘવાની વૃદ્ધિ ઉત્તમ થઈ છે. આ સાથે અન્ય ફળઝાડો અને વિવિધ પાકોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે, જેથી ખેતીમાં વૈવિધ્યતા રહે અને જોખમ ઓછું થાય.

આજે નિકુંજ પ્રતાપભાઈના ખેતરમાં આસપાસના ગામોના ખેડૂતો, કૃષિ રસિકો અને નવી પેઢીના યુવાનો મુલાકાત લેવા આવે છે. જે લોકો પહેલા પ્રાકૃતિક ખેતીને હાસ્યમાં લેતા હતા, તેઓ આજે “આ કેવી રીતે શક્ય બન્યું?” તે જાણવા ઉત્સુક છે. નિકુંજભાઈ સૌને ખુલ્લા દિલે પોતાનો અનુભવ શેર કરે છે અને કહે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ જમીન, પર્યાવરણ અને ખેડૂતના આરોગ્યને બચાવવાનો માર્ગ છે.

પીપળવા ગામના નિકુંજ પ્રતાપભાઈની આ સફર સાબિત કરે છે કે જો દ્રઢ વિશ્વાસ, સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શન હોય, તો પ્રાકૃતિક ખેતીથી નફાકારક અને ટકાઉ ભવિષ્ય બનાવી શકાય છે. આજે તેઓ માત્ર સફળ ખેડૂત જ નહીં, પરંતુ અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande