
અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લામાં હાલ ધાણા અને જીરુંના પાકનું વ્યાપક વાવેતર થયેલ છે અને બંને પાકો અત્યારે મહત્વની ફૂલ અવસ્થામાં પ્રવેશી રહ્યા છે. આ અવસ્થા ઉપજ નક્કી કરતી સૌથી નિર્ણાયક અવસ્થા હોવાથી આ સમયે યોગ્ય પોષણ, રોગ નિયંત્રણ અને સંચાલન કરવામાં આવે તો ઉત્પાદન તથા ગુણવત્તા બંનેમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે.
ખેતીવાડી અધિકારી શ્રી ભાવેશ પીપળીયા જણાવે છે કે ધાણા અને જીરું બંને મસાલા વર્ગના પાકો છે અને તેમાં અત્યારે રોગોની શક્યતા વધુ રહે છે. ખાસ કરીને જીરુંના પાકમાં કાળિયા રોગનો પ્રકોપ આ સમયે જોવા મળે છે. આ રોગ શરૂઆતમાં જમીનજન્ય અથવા બીજજન્ય હોય છે અને પછી પવન દ્વારા ઝડપથી ફેલાય છે. જો વાતાવરણમાં ઝાકળ પડે, છાંટા પડે અથવા ભેજ વધુ રહે તો રોગ વધુ તીવ્ર બને છે. તેથી ખેડૂતોએ આ રોગના નિયંત્રણ માટે આગોતરા પગલાં લેવા જરૂરી છે.
જીરુંના કાળિયા રોગના નિયંત્રણ માટે મેનકોજેબ અથવા ક્લોરોથાલોનિલ જેવી ભલામણ કરાયેલ દવાઓનો સમયસર છંટકાવ કરવો જોઈએ. શરૂઆતમાં જ નિયંત્રણ કરવામાં આવે તો રોગ ફેલાતો અટકાવી શકાય છે અને દાણા બંધારણ પર સકારાત્મક અસર થાય છે.
તે જ રીતે ધાણા પાકમાં પણ ફૂલ અવસ્થાએ ચક્કરનો રોગ જોવા મળે છે. આ રોગ ફૂગથી થતો હોવાથી ભેજયુક્ત વાતાવરણમાં ઝડપથી વધે છે. આ માટે પણ મેનકોજેબ અથવા ખેતી વિભાગ દ્વારા ભલામણ કરાયેલ ફૂગનાશક દવાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે.
આ અવસ્થાએ માત્ર રોગ નિયંત્રણ જ નહીં પરંતુ વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ પણ અત્યંત મહત્વનો છે. ફૂલ આવતી અને દાણા બંધારણની શરૂઆતની અવસ્થાએ પાકને તાત્કાલિક પોષક તત્વોની જરૂર પડે છે. વોટર સોલ્યુબલ ખાતર ઝડપથી શોષાઈ જાય છે અને પાકને તરત જ જરૂરી પોષણ પૂરું પાડે છે.
ખેડૂતોને ફૂલ અવસ્થાએ NPK (19:19:19), પોટાશ, તેમજ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ જેવા કે બોરોન અને ઝીંકનું ફોલિયર સ્પ્રે કરવાનું સલાહ આપવામાં આવે છે. આ ખાતરો ફૂલ ઝરતા અટકાવે છે, દાણા બંધારણ મજબૂત કરે છે અને અંતે ઉપજમાં વધારો કરે છે.
સારાંશરૂપે, ધાણા અને જીરુંના પાકમાં હાલની ફૂલ અવસ્થા એક સુવર્ણ તક છે. જો ખેડૂત મિત્રો આ સમયે યોગ્ય રોગ નિયંત્રણ અને વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરે તો પાક સ્વસ્થ રહેશે, દાણા સારી રીતે બંધાશે અને ઉત્પાદન સાથે આવકમાં પણ વધારો થશે. સમયસર અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવીને ખેડૂતોએ આ સિઝનમાં વધુ નફો મેળવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai