
સુરત, 12 જાન્યુઆરી (હિ.સ.): સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે વર્ષ 2026નું પ્રથમ અને કુલ 90મું સફળ અંગદાન થયું છે. મૂળ બિહારના 27 વર્ષીય બ્રેઈનડેડ સૌગંદકુમાર નકુલભાઈ લૈયાના પરિવારજનોએ માનવતાવાદી અભિગમ સાથે સ્વજનના અંગદાનનો નિર્ણય લઈને લીવર અને બે કિડનીનું દાન કર્યું હતું. જેના થકી ત્રણ જરૂરતમંદોને નવજીવન મળશે. આમ પણ પ્રાચીન કાળથી ઉત્તરાયણ પર્વમાં દાનનો વિશેષ મહિમા રહ્યો છે, ત્યારે શ્રમિક પરિવારે ઉત્તરાયણ પૂર્વે અંગદાન કરી દાનપૂણ્યને ઉજાળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના બાંકા જિલ્લાના બલુઆતરી બૌસીના વતની સૌગંદકુમાર સુરતમાં ટેક્ષ્ટાઈલ વર્કર હતા. તા.9મી જાન્યુ.ના રોજ સવારે 11.30 વાગ્યે ભાટીયા ચેકપોસ્ટ, સારોલી પાસે રોડ પર બમ્પર આવતા બાઈક જમ્પ થતા રોડના ડિવાઈડર સાથે અથડાતા સૌગંદકુમાર અને મિત્ર પડી ગયાં હતાં. મિત્ર ગૌતમભાઈને પગમાં ઈજા થઈ હતી અને માથામાં ગંભીર ઈજા થતા સૌગંદકુમારને બેભાન હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલમાં દાખલ કર્યા હતા. જ્યાં ગંભીર હાલત હોવાથી ઈમરજન્સીમાં દાખલ કર્યા અને ત્યારબાદ વધુ સારવાર માટે આઈસીયુમાં શિફ્ટ કરીને સારવાર શરૂ કરવામાં આવી. તા.11મીએ રાત્રિએ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ તથા ન્યુરો સર્જન ડૉ.કેયુર પ્રજાપતિની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
ડૉ.નિલેશ કાછડીયા, ડૉ.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાએ પત્ની, દિકરા અને ભાઈ તેમજ પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.
પિતા નકુલભાઈએ કહ્યું કે, અંગદાનથી કોઈનું જીવન બચાવી શકાય અને કોઈને નવું જીવન મળે તેનાથી મોટું શું હોઈ શકે? આવી ભાવના સાથે ભારે હૈયે પરિવારજનોએ અંગદાનની સહમતિ આપી હતી. બ્રેઈનડેડ સૌગંદકુમારના લીવર અને બે કિડનીને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે